૧૭ કલાકમાં ૬૭ પબની મુલાકાત લઈને બનાવ્યો રેકૉર્ડ

21 September, 2022 11:07 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

નૅથને આ પડકાર ડૉગ ટ્રસ્ટ માટે નાણાં ભેગાં કરવા માટે ઉપાડ્યો હતો, જેની પાસેથી તેણે એક ડૉગ દત્તક લીધો હતો, જેનું ૨૦૨૦ના ઑક્ટોબરમાં કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું

એક પબમાં પોતાના મિત્રો ઓલી અને આર્ચી સાથે નૅથન ક્રિમ્પ (સૌથી જમણે).‍

ઇંગ્લૅન્ડના ૨૨ વર્ષના એક ડૉગ-લવરે ૧૭ કલાકમાં ૬૭ પબની મુલાકાત લઈને નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. અકાઉન્ટ મૅનેજર તરીકે કામ કરતા નૅથન ક્રિમ્પે શનિવારે સવારે ૧૧ વાગ્યાથી વિવિધ પબની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. તેણે ૧૮ માઇલનું ટ્રેકિંગ કર્યું હતું. આ રેકૉર્ડ તેણે હોમટાઉન બ્રાઇટનમાં બનાવ્યો હતો. દરેક પબમાં તેણે લેગર, બિયર અને લિકર પીધા બાદ એની રસીદ પણ લીધી હતી. અગાઉનો ૨૪ કલાકમાં ૫૬ પબનો ગૅરેથ મર્ફીનો રેકૉર્ડ તોડવાનો તેનો આ પ્રયાસ હતો. નૅથનની યોજના ૭૫ પબની મુલાકાત લેવાની હતી, પરંતુ ૧૫ પબ બંધ હતાં અથવા તો કોઈ પ્રાઇવેટ પાર્ટી ત્યાં આયોજિત હતી. શનિવારે રાતે ૯.૩૦ વાગ્યે જ તેણે જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો, એમ છતાં તેણે ૧૦ વધુ પબની મુલાકાત લીધી હતી. તેના મિત્રો ઓલી અને આર્ચી પણ રવિવારે સવારે ચાર વાગ્યા સુધી તેની સાથે રહ્યા હતા. તેણે કુલ ૬૭ પબની મુલાકાત લીધી હતી. નૅથન મોટા ભાગે આયરિશ ​​વ્હિસ્કી જ પીતો હતો, પરંતુ રેકૉર્ડ કરવાનો હતો એટલે તેણે એક પબમાં આલ્કોહૉલ અને બીજામાં નૉન-આલ્કોહૉલ ડ્રિન્ક પીવાનું નક્કી કર્યું હતું. આટલું બધું પાણી પીવાને કારણે તેને સતત ટૉઇલેટ જવું પડતું હતું, જેમાં એનો સૌથી વધુ સમય ગયો હતો. એના બે મિત્રો પબના સંચાલકોને જણાવતા હતા કે તેઓ શું કરી રહ્યા છે, પરિણામે નૅથનનું કામ સરળ થઈ ગયું હતું. નૅથને રેકૉર્ડ દરમ્યાન બેબી ગિનિઝ, ટકીલા, પ્રોસેકો, જેટવેન્ટી, ઍપલ જૂસ અને પાણી પીધું હતું. નૅથને આ પડકાર ડૉગ ટ્રસ્ટ માટે નાણાં ભેગાં કરવા માટે ઉપાડ્યો હતો, જેની પાસેથી તેણે એક ડૉગ દત્તક લીધો હતો, જેનું ૨૦૨૦ના ઑક્ટોબરમાં કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. આ ટ્રસ્ટ રખડતા કૂતરાઓને આશ્રય આપવાનું કામ કરે છે. જોકે તમામ આશ્રયસ્થાનો ભરાઈ ગયાં છે. નૅથન અત્યાર સુધી ૪૬૦ પાઉન્ડ એટલે કે ૪૨,૦૦૦ રૂપિયા ભેગા કરી ચૂક્યો છે.

offbeat news guinness book of world records england london