06 May, 2026 11:02 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
રેખા-રત્ના-કાલિતા
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ સમગ્ર રાષ્ટ્રને અચંબિત કર્યું છે. આ વિજય ફક્ત સંખ્યાનો નથી, પરંતુ સત્તાના ઘમંડને તોડી નાખનારાં આંસુઓનો પણ છે. આર. જી. કર મેડિકલ કૉલેજમાં જેના પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી તે મહિલા ડૉક્ટરની માતા રત્ના દેવનાથ, સંદેશખલીમાં અત્યાચારનો ભોગ બનેલી રેખા પાત્રા અને ઘરકામ કરતી કાલિતા માંઝીની જીતે સાબિત કર્યું છે કે લોકશાહીમાં જનતા જ જનાર્દન છે. આ ત્રણ મહિલાઓએ પોતાની વ્યક્તિગત દુર્ઘટના અને સંઘર્ષનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મમતા બૅનરજીના ૧૫ વર્ષ જૂના કિલ્લાને તોડી પાડ્યો હતો અને BJPની ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો હતો. આ મહિલાઓએ દિગ્ગજોને ચૂંટણીના મેદાનમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો છે.
આંસુઓ સાથે લખાયેલી વિજય-સ્ક્રિપ્ટ
આ ત્રણ મહિલાઓ BJP માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ હતી. પાર્ટીએ આ ચહેરાઓને આગળ લાવીને મમતા સરકારની ગુંડાગીરીને લોકોના હૃદય સુધી પહોંચાડી દીધી હતી. ચૂંટણીપ્રચાર દરમ્યાન જ્યારે પણ આ મહિલાઓ સ્ટેજ પર આવતી ત્યારે લોકોની આંખમાં ગુસ્સો અને સહાનુભૂતિ સ્પષ્ટ દેખાતાં હતાં. રત્ના દેવનાથના દરેક શબ્દએ મમતા બૅનરજીના મહિલા કાર્ડને નકારી કાઢ્યું હતું. BJPએ સાબિત કર્યું છે કે બંગાળનું રાજકારણ હવે ફક્ત હિંસાથી નહીં પણ સહાનુભૂતિ અને ન્યાયથી ચાલશે.
તૃણમૂલ કૉન્ગ્રેસ હારશે નહીં ત્યાં સુધી વાળ નહીં ઓળું: રત્ના દેવનાથ
કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલમાં બળાત્કાર બાદ જેની હત્યા કરવામાં આવી હતી એવી ડૉક્ટર દીકરીની માતા રત્ના દેવનાથે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તૃણમૂલ કૉન્ગ્રેસ હારશે નહીં ત્યાં સુધી હું વાળ નહીં ઓળું. BJPએ પશ્ચિમ બંગાળની પાનીહાટી બેઠક પર રત્ના દેવનાથને ટિકિટ આપી હતી અને તેમણે ૨૮,૮૩૬ મતથી તૃણમૂલ કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા તીર્થંકર ઘોષને હરાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચારસભામાં રત્ના દેવનાથ જ્યારે બેઠાં હતાં ત્યારે તેઓ સતત રડતાં દેખાતાં હતાં. તેમનો વિજય દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિની પીડા જ્યારે બરદાસ્ત કરવાની સીમા પાર કરી દે છે ત્યારે તેનામાં જે વિશ્વાસ જાગે છે એ ભલભલાને નમાવી શકે છે. જ્યારે મમતા સરકારના પ્રધાનો અને પોલીસ-અધિકારીઓ ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રત્નાએ રસ્તા પર ઊતરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો વિજય એ સિસ્ટમ માટે જોરદાર ફટકો છે જેણે એક દીકરીના ન્યાયને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જનતાએ રત્નાનાં આંસુને વ્યર્થ ન જવાં દીધાં અને સર્વાનુમતે તેના પક્ષમાં મતદાન કરીને મમતા બૅનરજીની સરકારની વિદાય સુનિશ્ચિત કરી દીધી હતી.
હાઉસ-હેલ્પથી વિધાનસભ્ય, BJPની કાલિતા માઝીનો ૧૨,૫૩૫ મતથી વિજય
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સૌથી આકર્ષક વ્યક્તિગત વિજયોમાંના એકમાં BJPની કાલિતા માઝીએ ઔસગ્રામ બેઠક જીતી લીધી હતી. ગુસ્કરા નગરપાલિકાની રહેવાસી કાલિતા માઝી રાજકારણમાં પ્રવેશતાં પહેલાં ૪ જણનાં ઘરકામ કરતી હતી અને મહિનાના ૨૫૦૦ રૂપિયા કમાતી હતી. તે અગાઉ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તૃણમૂલ કૉન્ગ્રેસના અભેદાનંદ થાંડર સામે ૧૧,૮૧૫ મતથી હારી ગઈ હતી. BJPએ તેને ફરીથી ઉમેદવાર બનાવી હતી અને એનો લાભ ચૂંટણીમાં મળ્યો હતો. માઝીને ૧,૦૭,૬૯૨ મત મળ્યા હતા અને તેણે તૃણમૂલ કૉન્ગ્રેસના શ્યામા પ્રસન્ના લોહારને ૧૨,૫૩૫ મતના માર્જિનથી હરાવ્યા હતા. લોહારને ૯૫,૧૫૭ મત મળ્યા હતા.
મહિલાઓના ગૌરવ માટે રણચંડી બની: રેખા પાત્રા
પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં શાહજહાં શેખ અને તેના ચમચાઓના અત્યાચારનો ભોગ બનેલી ઘણી મહિલાઓ પૈકી એક રેખા પાત્રાએ તેમનો વિરોધ કર્યો અને ન્યાયની આશામાં કમરમાં નાની દીકરીને લઈને તે ઘરની બહાર નીકળી હતી. સંદેશખલીના રસ્તાઓ પર મહિલાઓ પોતાના ગૌરવ માટે રડતી હતી ત્યારે પશ્ચિમ બંગાળના સત્તાના ગલિયારા શાંત હતા, પરંતુ પીડિત રેખા પાત્રાએ BJPની ટિકિટ પર હિંજલગંજ બેઠક પરથી ચૂંટણી લડીને સાબિત કર્યું કે પીડિત મહિલાઓ નબળી નથી. રેખાએ તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવારને ૫૦૦૦થી વધુ મતથી હરાવીને વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો હતો. આ જીત ફક્ત એક બેઠકનું પ્રતિનિધિત્વ કરતી નથી, પરંતુ વર્ષોથી જુલમ સહન કરતી હજારો મહિલાઓનો અવાજ છે. રેખાની જીતે તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડાગીરીના મૉડલને તોડી નાખ્યું છે.