મમતાના માથાભારે નેતા જહાંગીર ખાનની ચડ્ડીમાં પરેડ કરાવવામાં આવી

16 June, 2026 09:22 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

કમર પર દોરડું બાંધીને ફેરવવામાં આવ્યો ત્યારે હાથ જોડીને, કાન પકડીને પબ્લિકની માફી માગી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

આ મહિનાની શરૂઆતમાં ધરપકડ થયા પછી તૃણમૂલ કૉન્ગ્રેસના માથાભારે નેતા જહાંગીર ખાનને પશ્ચિમ બંગાળની સ્ટ્રીટ્સમાં શૉર્ટ્સ પહેરીને, કમર પર દોરડું બાંધીને ત્રીજી વખત પરેડ કરાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં જેમ માફિયાની કમર તોડવામાં આવી હતી એમ હવે પશ્ચિમ બંગાળમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. જહાંગીર ખાનનો તાજેતરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જહાંગીર ખાન કડક સુરક્ષા વચ્ચે ખુલ્લા પગે રસ્તા પર ફરતો જોવા મળે છે. હાથ જોડીને અને કાન પકડીને તથા કમર પર દોરડું બાંધીને ડાયમન્ડ હાર્બરનો નેતા જનતાની માફી માગતો જોવા મળે છે. જહાંગીર ખાનની ૮ જૂને ખંડણી અને અન્ય આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી અને પશ્ચિમ બંગાળની એક કોર્ટે તેને પાંચ દિવસ માટે પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

તૃણમૂલ કૉન્ગ્રેસના બળવાખોરો ત્રિપુરાની નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં ભળી જશે NDA સરકારને ટેકો આપશે

તૃણમૂલ કૉન્ગ્રેસના બળવાખોર સંસદસભ્યો કેન્દ્રની નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની સરકારને ટેકો આપવા માટે ત્રિપુરાની નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (NCPI)માં ભળી જશે. આ સંદર્ભમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય કાકોલી ઘોષ દસ્તીદારે પુષ્ટિ આપી છે કે ૨૦ બળવાખોર સંસદસભ્યો ત્રિપુરાસ્થિત NCPIમાં ભળી જશે અને NDAને ટેકો આપશે. કાકોલી ઘોષે અગાઉ દાવો કર્યો હતો કે તૃણમૂલ કૉન્ગ્રેસના બે વધુ સંસદસભ્યો તેમના કૅમ્પમાં જોડાવા માટે તૈયાર છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથેની મુલાકાત બાદ બળવાખોર જૂથ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યું હતું. ઓમ બિરલાને મળ્યા બાદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું કે અમે અલગ બેઠક-વ્યવસ્થાની વિનંતી કરી હતી. 

national news india trinamool congress mamata banerjee political news indian politics west bengal