10 March, 2026 11:35 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગંગા આરતી
આ વર્ષે ભારતીય નવા વર્ષ નવસંવત્સર ૨૦૮૩ અને વાસંતિક નવરાત્રિના પ્રથમ દિવસે ૧૯ માર્ચે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામ ગંગાદ્વારની સામેના લલિતા ઘાટ પર માતા ગંગાની ભવ્ય આરતી શરૂ થશે. મંદિર-પ્રશાસને એ માટે ખાસ તૈયારીઓ કરી છે અને એને નિયમિત કરવાની યોજના બનાવી છે.
લલિતા ઘાટ પર ગંગા આરતીની ભવ્યતા વધારવા માટે ૭ પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યાં છે. વૈદિક વિધિઓ અનુસાર ૭ પૂજારીઓ એકસાથે માતા ગંગાની આરતી કરશે. આરતી દરમ્યાન ધૂપ, દીવા, પ્રસાદ અને ફૂલ ચડાવવામાં આવશે અને પૂજાવૈદિક મંત્રોના જાપ સાથે એ પૂર્ણ થશે. આ સામૂહિક આરતી લલિતા ઘાટના વાતાવરણને ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દેશે.
મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ સાંજે ૬ વાગ્યે ગંગા આરતી થશે. ભક્તો અને પ્રવાસીઓ ઘાટ પર પહોંચીને આ દિવ્ય આરતી જોઈ શકશે. પ્રશાસને જણાવ્યું હતું કે આરતી દરમ્યાન ભક્તોની સુવિધા અને સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે જેથી દરેક વ્યક્તિ શાંતિથી આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકે.
વારાણસીના અનેક ઘાટ પર દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ગંગા આરતી જોવા માટે આવે છે એથી લલિતા ઘાટ પર આરતી શરૂ થવાથી અન્ય ઘાટ પર વધતી ભીડને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. મંદિર-પ્રશાસનને આશા છે કે આ નવી વ્યવસ્થા ભક્તો માટે એક નવું આકર્ષણ બનશે અને કાશીની મુલાકાત લેનારા ભક્તો પાસે ગંગા આરતી માટે બીજું ભવ્ય સ્થળ ઉપલબ્ધ થશે.
ગઈ કાલે હૃષીકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં એક વીકનો ઇન્ટરનૅશનલ યોગ-ફેસ્ટિવલ શરૂ થયો હતો. એમાં દેશવિદેશના યોગપ્રેમીઓ ભાગ લેવા આવ્યા હતા. હૃષીકેશમાં યોગ માટે આ ખૂબ જ પ્રતિષ્ઠિત વાર્ષિક ઇવેન્ટ ગણાય છે. ૧૫ માર્ચ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં ૧૫૦ ક્લાસિસ કન્ડક્ટ થશે જેમાં ૭૦+ કલાકોમાં કુંડલિની, વિન્યાસ, આયંગર જેવા યોગ, ધ્યાન શીખવા મળશે અને ગંગાના કિનારે વિશ્વપ્રતિષ્ઠિત યોગીઓ સાથે સત્સંગ પણ યોજાશે. આ ફેસ્ટિવલમાં રોજ ગંગાઆરતી, કીર્તન, સાયંનૃત્ય થાય છે. ગઈ કાલે યોગપ્રેમીઓએ દાંડિયા રમીને સેલિબ્રેટ કર્યું હતું.