આજથી ભારત આવનારા વિદેશી યાત્રીઓ માટે ૭ દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત

11 January, 2022 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ચેપને રોકી શકાય

ફાઈલ તસવીર

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના (Coronavirus) અને ઓમિક્રોને (Omicron) જોર પકડ્યું છે. આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે વિદેશથી (International Travellers) આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ, વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન જરૂરી રહેશે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ માર્ગદર્શિકા આજથી જારી કરવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ચેપને રોકી શકાય. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશથી આવનાર લોકોને તાત્કાલિક બહાર જવાની કે હરવા-ફરવા દેવાશે નહીં. તેઓએ પહેલા હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આના આઠ દિવસ પછી RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવી પડશે. મુસાફરીની તારીખના 14 દિવસ પહેલા કરવામાં આવેલી અન્ય મુસાફરીની વિગતો પણ આપવી પડશે. મુસાફરે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ પરીક્ષણ મુસાફરીની તારીખના મહત્તમ 72 કલાક પહેલા હોવું જોઈએ. ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતાનું એફિડેવિટ પણ આપવું પડશે. દરેક યાત્રીએ લેખિતમાં જણાવવું પડશે કે તેઓ ક્વોરેન્ટાઇન, હેલ્થ મોનિટરિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરશે. કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં, મુસાફરો 7 દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે અને આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ થશે.

coronavirus covid19 national news india home ministry