19 May, 2025 07:50 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પુષ્કર કુંભ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચીનની સરહદે આવેલા ભારતના પ્રથમ ગામ માણામાં ૧૨ વર્ષ પછી અલકનંદા અને સરસ્વતી નદીના સંગમસ્થાન કેશવ પ્રયાગમાં પુષ્કર કુંભનો પ્રારંભ થયો છે જે ૨૬ મે સુધી ચાલશે. ૧૪ મેથી શરૂ થયેલા આ કુંભમાં દક્ષિણ ભારતના વૈષ્ણવ સંપ્રદાયના લોકો ખાસ હાજરી આપે છે. ગઈ કાલ સુધીમાં આશરે ૮૦૦૦ ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. માણા ગામથી કેશવ પ્રયાગ ૩ કિલોમીટર દૂર છે. ત્યાં સુધી જવા માટે પ્રશાસને પગપાળા રસ્તો બનાવ્યો છે અને ભારતની વિવિધ ભાષામાં જાણકારી આપતાં બોર્ડ લગાવ્યાં છે. ઊંચાઈ પર આવેલા આ સ્થાન સુધી પહોંચવું પણ મુશ્કેલ છે.
પુષ્કર કુંભને કારણે બદરીનાથ ધામની સાથે માણા ગામમાં પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર વધી છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ગુરુ ગ્રહ ૧૨ વર્ષમાં મિથુન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે માણા ગામમાં કેશવ પ્રયાગમાં પુષ્કર કુંભનું આયોજન કરવામાં આવે છે.
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વેદ વ્યાસે માણા ગામ નજીક આવેલા કેશવ પ્રયાગમાં તપસ્યા કરતી વખતે હિન્દુ મહાકાવ્ય મહાભારતની રચના કરી હતી. દક્ષિણ ભારતના મહાન આચાર્યો રામાનુજાચાર્ય અને માધવાચાર્યે આ સ્થાન પર મા સરસ્વતી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એને કારણે પૌરાણિક પરંપરાઓને જાળવી રાખવા માટે દક્ષિણ ભારતના વૈષ્ણવો અહીં પહોંચીને કેશવ પ્રયાગમાં સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે.