05 September, 2025 09:39 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
પંજાબના સેંકડો ગામ ભારે પૂરને લીધે સંપૂર્ણ ડૂબી ગયાં હતાં. પૂરના ભારે પાણીમાં જીવ બચાવવા માટે તરફડિયાં મારતી ભેંસોનો વિડિયો વાઇરલ થયો હતો.
ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદને લીધે ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે. પંજાબમાં તો સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં ભારે પૂર આવતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ પૂરપ્રકોપમાં ચોમેર તબાહીનાં દૃશ્યો સર્જાયાં હતાં. પંજાબમાં પૂરને કારણે હજારો પશુઓનાં મોત થઈ ચૂક્યાં હોવાનું અનુમાન છે. વાઇરલ થયેલા એક વિડિયોમાં પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારમાં સેંકડો ભેંસો પૂરમાં તણાતી જોવા મળી હતી. આ વિડિયોને લીધે રાજ્યમાં જાનમાલના ભારે નુકસાન સાથે મોટા પ્રમાણમાં પશુઓની જાનહાનિની પણ શક્યતા સર્જાઈ છે.
પંજાબમાં ૬૧,૦૦૦ હેક્ટરથી વધુ ખેતજમીન સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી અને ૧૬૬૫થી વધુ ગામો સંપૂર્ણપણે ડૂબી ગયાં હતાં. આ ભયાનક કુદરતી આપત્તિમાં પશુઓ માટે પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ૪ સપ્ટેમ્બર સુધી પૂરને લીધે સાડાત્રણ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા હતા અને ૩૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પંજાબ સરકારે સમગ્ર રાજ્યને આપદાગ્રસ્ત જાહેર કરી દીધું હતું અને તમામ સ્કૂલો-કૉલેજો માટે રજા જાહેર કરી દીધી છે.