✕

દિવાળીમાં દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી, સુપ્રીમ કોર્ટે નક્કી કરી ટાઇમ-લિમિટ

03 November, 2026 09:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી-NCRના લોકો ૭ અને ૮ નવેમ્બરે સવારે છથી ૭ વાગ્યા સુધી અને રાત્રે આઠથી ૧૦ વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકશે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિવાળીની ઉજવણી માટે દિલ્હી-NCR (નૅશનલ કૅપિટલ રીજન)માં ગ્રીન ફટાકડા ફોડવા વિશે લેખિત આદેશ જાહેર કર્યો છે. ૭ અને ૮ નવેમ્બરે ગ્રીન ફટાકડાના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ ગ્રીન ફટાકડા સવારે છથી ૭ વાગ્યા સુધી અને રાત્રે આઠથી ૧૦ વાગ્યા સુધી ફોડવાની પરવાનગી રહેશે. સુપ્રીમ કોર્ટે ૮ નવેમ્બરના તહેવાર પહેલાં અગાઉ લગાવવામાં આવેલા પ્રતિબંધોને હંગામી ધોરણે હળવા કર્યા છે. ફટાકડા પર પ્રતિબંધ ફરી ૯ નવેમ્બરથી લાગુ થશે.

જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હૉસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા સ્વાસ્થ્ય-કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને સાઇલન્સ ઝોનના ૩૦૦ મીટરના પરિસરમાં ફટાકડા ફોડવાની પરવાનગી નથી. શૈક્ષણિક સંસ્થાઓના વિસ્તારમાં પણ ‘નો ક્રૅકર ઝોન’ જાહેર કરવામાં આવશે. આ માટે યોગ્ય સાઇન બોર્ડ લગાવવામાં આવશે.

શું છે ગ્રીન ફટાકડા?
ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. આ ફટાકડા કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા વિકસાવવામાં આવ્યા છે. સામાન્ય ફટાકડા કરતાં આ ગ્રીન ફટાકડા ૩૦ ટકા ઓછો ધુમાડો અને પ્રદૂષણ ફેલાવે છે. એમાં બૅરિયમ નાઇટ્રેટ જેવી ઝેરી મેટલનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ ઓછો સમય સળગે છે અને રાખ અને ધૂળ પણ ઓછી બને છે. જોકે એનો વધારે ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણ થાય છે.

national news india delhi news new delhi supreme court festivals