✕

વહેલી કૅબ મેળવવા કસ્ટમરને ‌ટિપ આપવા મજબૂર કરવા બદલ ઓલાને ફટકારવામાં આવ્યો ૧૦ લાખ રૂપિયાનો દંડ

14 November, 2026 07:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હેલી કૅબ મળવાની શક્યતા વધારવાના નામે ગ્રાહકોને વધારાનું ભાડું કે ટિપ ચૂકવવા માટે ગેરમાર્ગે દોરવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઍપ-બેઝ્‍ડ કૅબ ઓલાનું સંચાલન કરતી કંપની ANI ટેક્નૉલૉજીઝ પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વહેલી કૅબ મળવાની શક્યતા વધારવાના નામે ગ્રાહકોને વધારાનું ભાડું કે ટિપ ચૂકવવા માટે ગેરમાર્ગે દોરવા બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ઑથોરિટીએ પ્લૅટફૉર્મને આદેશ આપ્યો છે કે ‘યાત્રા પૂર્ણ થાય એ પહેલાં બુકિંગ સમયે દર્શાવવામાં આવેલા નિશ્ચિત ભાડા ઉપરાંત ટિપ, ઍડ-ઑન કે વધારાના ભાડાના નામે ગ્રાહકો પાસેથી કોઈ પણ રકમ વસૂલવા માટે દબાણ કરતી કે માનસિક રીતે પ્રભાવિત કરતી તમામ પ્રકારની ડાર્ક પૅટર્ન ડિઝાઇન, પ્રૉમ્પ્ટ્સ અને પ્રી-સેટ રકમ દર્શાવવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે.’
મે ૨૦૨૫માં મળેલી એક ફરિયાદના આધારે CCPAએ આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઓલાની ઍપ ગ્રાહકોમાં એવો ડર ઊભો કરીને અગાઉથી ટિપ ચૂકવવા પ્રેરતી હતી કે જો તેઓ ટિપ નહીં આપે તો તેમનું બુકિંગ મોડું થશે અથવા ડ્રાઇવર તેમની રાઇડ સ્વીકારશે નહીં. ઍપ પર પ્રી-સેટ ટિપની રકમ સાથે એવો સંદેશ દર્શાવવામાં આવતો હતો કે ટિપ ઉમેરવાથી વહેલી રાઇડ મળવાની શક્યતા વધી શકે છે. જોકે ઓલાએ બચાવમાં કહ્યું હતું કે ટિપ આપવાનો વિકલ્પ સ્વૈચ્છિક હતો, પરંતુ CCPAએ ઠેરવ્યું હતું કે એનાથી ગ્રાહકોમાં ગેરમાર્ગે દોરનારી છાપ ઊભી થતી હતી.

ola mumbai travel travel travelogue travel news national news new delhi