જગન્નાથધામ મંદિર સાથે સંકળાયેલા તમામ શબ્દોનો ઓડિશા ટ્રેડમાર્ક લેશે, બીજું કોઈ આવા શબ્દો વાપરી નહીં શકે

28 May, 2025 09:51 AM IST  |  Bhubaneswar | Gujarati Mid-day Correspondent

મમતા બૅનરજીના નેતૃત્વની બંગાળ સરકારે દિઘામાં બનાવેલા મંદિરનું નામ જગન્નાથધામ રાખ્યું એને પગલે થયો મોટો વિવાદ

પુરીનું મંદિર, બંગાળનું મંદિર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળની ઓડિશા સરકારે પુરીમાં આવેલા પ્રતિષ્ઠિત જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા કેટલાક શબ્દો અને લોગો માટે ટ્રેડમાર્ક અધિકારો મેળવવાનો નિર્ણય લીધો છે, કારણ કે મમતા બૅનરજીની પશ્ચિમ બંગાળ સરકારે ત્યાં બાંધવામાં આવેલા નવા મંદિરને જગન્નાથધામ નામ આપ્યું છે.

જે શબ્દોના પેટન્ટ કરવામાં આવશે એની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. મોટા ભાગે શ્રી જગન્નાથધામ (સ્થળ), શ્રીમંદિર (મંદિર), મહાપ્રસાદ (ભોગ), નીલાચલ (પુરીને નીલાચલ તરીકે પણ ઓળખવામાં આવે છે) ધામ, બડા દંડ (મંદિરનો મુખ્ય માર્ગ) જેવા શબ્દો પેટન્ટ કરાવવામાં આવશે. મંદિરના મુખ્ય ઍડ્મિનિસ્ટ્રેટર અરબિન્દા પાધીએ જણાવ્યું હતું કે ‘પુરી મંદિરની સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખને સુરક્ષિત રાખવા માટે ટ્રેડમાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી બારમી સદીના આ મંદિરની મૂળ આધ્યાત્મિક ઓળખનો દુરુપયોગ અને એની પવિત્ર પરિભાષાનો ગેરકાયદે ઉપયોગ અટકાવવામાં મદદ મળશે.’

પુરીના મહારાજા દિવ્યસિંહ દેબની અધ્યક્ષતામાં શ્રી જગન્નાથ ટેમ્પલ ઍડ્મિનિસ્ટ્રેશન કમિટી (SJTMC) ની તાજેતરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

વિવાદ શું છે?

મમતા બૅનરજીની બંગાળ સરકારે દિઘામાં બનાવેલા મંદિરનું નામ જગન્નાથધામ રાખતાં આ વિવાદ શરૂ થયો છે. મોહન માઝીના નેતૃત્વ હેઠળની ઓડિશા સરકારે દલીલ કરી છે કે જગન્નાથધામ શબ્દનો ઉપયોગ માત્ર પુરી મંદિર માટે જ થઈ શકે છે, કારણ કે પુરી ભારતનાં ચાર પવિત્ર ધામ પૈકી એક છે. મંદિર સમિતિની બેઠકમાં પુરીના મહારાજા દિવ્યસિંહ દેબએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર દિઘાના મંદિર માટે જગન્નાથધામ શબ્દનો ઉપયોગ ન કરી શકે, કારણ કે એ હિન્દુ શાસ્ત્રો અને ભગવાન જગન્નાથની સદીઓ જૂની પરંપરાની વિરુદ્ધ છે.

odisha jagannath puri religion religious places west bengal culture news bharatiya janata party mamata banerjee natioal news news