ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

23 June, 2021 10:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતી કાલે વડા પ્રધાન ટૉયકૅથોનના ઘણા સહભાગીઓને સંબોધન કરશે; ગુજરાતમાં ઇ-વેહિકલ્સને પ્રમોટ કરતી નીતિ જાહેર અને વધુ સમાચાર

બૅન્ગલોરમાં ફરી બજાર ભરાઈ: કર્ણાટકના બૅન્ગલોરમાં ગઈ કાલે કોવિડને લગતાં અમુક નિયંત્રણોમાં રાહત મળ્યાં પછી શહેરની મુખ્ય બજારના એક વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જૅમ પણ હતો. બૅન્ગલોર અનલૉક થતાં હજારો લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. જોકે, તબીબી નિષ્ણાતોએ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નકારી છે. (તસવીરઃ પી.ટી.આઇ.)

કેન્દ્ર-રાજ્યોની ભાગીદારીથી જ સુધારા સંભવ બન્યાં: મોદી

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગીતા અને સમન્વય વધતાં સંસાધનોની ઉપલબ્ધિનું પ્રમાણ પણ વધ્યું હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ‘લિન્ક્ડઇન’ પર ‘સંકલ્પ અને પ્રોત્સાહનો દ્વારા સુધારા’ વિષય પર લખેલી બ્લૉગપોસ્ટમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રાજ્યોની ધિરાણ લેવાની ક્ષમતા વધી હતી. આ નાણાકીય વર્ષમાં રાજ્યો વધુ ૧.૦૬ લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરી શક્યા હતા.

આપણે અત્યાર સુધી જોયું છે કે વિવિધ કારણોસર યોજનાઓ અને સુધારા બિનઅમલી કે નિષ્ક્રિય રહેતાં હતાં. આપણે ભૂતકાળની સ્થિતિથી દૂર થઈને કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને રોગચાળાનો માહોલ હોવા છતાં ટૂંકા ગાળામાં જનહિતના સુધારાનો અને સવલતોનો અમલ કરી શક્યા છીએ.’

 

આવતી કાલે વડા પ્રધાન ટૉયકૅથોનના ઘણા સહભાગીઓને સંબોધન કરશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલથી યોજાનારી ત્રણ દિવસની ઑનલાઇન ટૉયકૅથોનમાં ભાગ લેનારા રમકડાં ઉત્પાદકો તથા સંબંધિત ઉદ્યોગોના સહભાગીઓને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. ૨૪ જૂને સવારે ૧૧ વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના શિક્ષણપ્રધાન પણ ભાગ લેશે.

 

અમદાવાદને સૌથી મોટું ગ્રીન સિટી બનાવો: શાહ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાને અહીં ગઈ કાલે વૃક્ષારોપણ પ્રસંગે શહેરના નાગરિકોને અને મહાનગરપાલિકાને અપીલ કરી હતી કે તમે આ શહેરને માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું ગ્રીન સિટી બનાવી દો. આ તમારું લક્ષ્ય હોવું જોઈએ અને એ હાંસલ કરવું શક્ય છે.’

 

ગુજરાતમાં ઇ-વેહિકલ્સને પ્રમોટ કરતી નીતિ જાહેર

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે ‘ગુજરાત ઇલેક્ટ્રિક વેહિકલ પૉલિસી ૨૦૨૧’ જાહેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આ નીતિ એ રીતે ઘડવામાં આવી છે જેની મદદથી રાજ્યમાં આવતાં ચાર વર્ષમાં રાજ્યના માર્ગો પર ઓછાંમાં ઓછાં બે લાખ ઇલેક્ટ્રિક વાહનો (ઈ-બાઇક, ઈ-સ્કૂટર, ઈ-કાર વગેરે) દોડતાં જોવા મળશે.’

ચાર વર્ષની મુદતવાળી આ નીતિ હેઠળ ઈ-વેહિકલ્સ ખરીદવા ૨૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી અપાશે.

 

ગુજરાતમાં માસ્કનો દંડ અડધો કરવા અદાલતને અરજ

ગાંધીનગર: ગુજરાતમાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેર્યા વગર ફરવા બદલ દંડની રકમ અડધી ઘટાડવાની માગણી સાથે રાજ્ય સરકાર સ્થાનિક વડી અદાલતમાં અરજી કરશે. સરકાર આ દંડની રકમ ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ રૂપિયા કરવા ઇચ્છે છે.

 

વલસાડમાં રેલવેએ ૨૦ દિવસમાં બ્રિજ બનાવી નાખ્યો

વલસાડ: ભારતીય રેલવેએ વલસાડમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરમાં માત્ર ૨૦ દિવસના વિક્રમી સમયમાં વલસાડ રોડ ઓવર બ્રિજ (આરઓબી) બાંધ્યો છે.

national news gujarat new delhi narendra modi