News In Short : જોશીમઠમાં સૅટેલાઇટ દ્વારા સર્વે પછી ૪૦૦૦ લોકોનું સુર​ક્ષિત સ્થળાંતર કરાયું

10 January, 2023 11:05 AM IST  |  Joshimath | Gujarati Mid-day Correspondent

ગૃહમંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આર્મી અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)નાં સંસ્થાનોમાં પણ કેટલીક તિરાડ પડી છે

જોશીમઠમાં આવી તિરાડોને કારણે ઘરોમાં જ નહીં, પરંતુ રસ્તા પર પણ લોકો સુરક્ષિત નથી. ફાઇલ તસવીર

જોશીમઠમાં સૅટેલાઇટ દ્વારા સર્વે પછી ૪૦૦૦ લોકોનું સુર​ક્ષિત સ્થળાંતર કરાયું

જોશીમઠ : ઉત્તરાખંડના જોશીમઠમાં અત્યંત જોખમી ૬૦૦ ઘરોમાં રહેતા ૪૦૦૦ લોકોને સૅટેલાઇટ્સ દ્વારા એક સર્વે બાદ સુર​ક્ષિત વિસ્તારોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આર્મી અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)નાં સંસ્થાનોમાં પણ કેટલીક તિરાડ પડી છે. જોકે સલામતીને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. આ સિનિયર અધિકારીએ વધુ જણાવ્યું હતું કે ૩૦ ટકા જોશીમઠ અસરગ્રસ્ત હોય એમ જણાઈ રહ્યું છે. એક એક્સપર્ટ કમિટી દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસને સોંપવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રે આ પહેલાં જોશીમઠમાં ૨૦૦થી વધારે ઘરો પર લાલ ચોકડીનાં નિશાન કર્યાં હતાં. આ ઘરો રહેવા માટે અસુર​ક્ષિત હોવાની એ નિશાની હતી. એમાં રહેતા લોકોને ટેમ્પરરી રાહત કેન્દ્રો કે પછી ભાડાનાં ઘરોમાં રહેવા જતા રહેવા કહેવામાં આવ્યું હતું.

બ્લૅક-મની એ ભારતની સાથે કોઈ મુદ્દો રહ્યો નથી : સ્વિસ ઍમ્બૅસૅડર

નવી દિલ્હી (એ.એન.આઇ.) : ભારત ખાતેના સ્વિસ ઍમ્બૅસૅડર ડૉ. રાલ્ફ હેકનરે જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલૅન્ડ અને ભારત વચ્ચે નાણાકીય સંબંધોમાં હવે બ્લૅક-મની કોઈ મુદ્દો રહ્યો નથી, કેમ કે બન્ને દેશોએ પહેલાં જ અનેક તબક્કામાં માહિતીનું આદાનપ્રદાન કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં રાલ્ફે જણાવ્યું હતું કે તેઓ બે વર્ષ કરતાં વધારે સમયથી સ્વિસ ઍમ્બૅસૅડર છે, પરંતુ તેમણે બ્લૅક-મની વિશે ભાગ્યે જ કંઈ સાંભળ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્વિટ્ઝરલૅન્ડ અને ભારત વચ્ચે ૨૦૧૮માં બૅન્કો વચ્ચે ઇન્ફર્મેશનના ઑટોમૅટિક આદાનપ્રદાન માટે કરવામાં આવેલી એક દ્વિપક્ષીય સંધિ દ્વારા બ્લૅક-મનીના મુદ્દે ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

દિલ્હી-પટના ફ્લાઇટમાં નશો કરવા બદલ બે પૅસેન્જરની ધરપકડ

પટના : દિલ્હી-પટના ઇન્ડિગો ફ્લાઇટના બે પૅસેન્જર્સની ડોમેસ્ટિક ફ્લાઇટમાં આલ્કોહૉલનું સેવન કરવા બદલ રવિવારે સાંજે પટના ઍરપોર્ટ પોલીસ દ્વારા સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ)ની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. ડોમેસ્ટિક ફ્લાઇટમાં દારૂના સેવન પર પ્રતિબંધ છે. પ્રોટોકોલ મુજબ આ ઍરલાઇને ઍર ટ્રાફિક કન્ટ્રોલરને એના વિશે જણાવ્યું હતું અને તેઓ પટના પહોંચતાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇએસએફએ આ બન્નેને કસ્ટડીમાં લીધા હતા અને તેમને ઍરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેના પછી તેમનો બ્રીધ ઍનૅલિસિસ ટેસ્ટ કરવામાં આવતાં કન્ફર્મ થયું હતું કે બન્ને પૅસેન્જર્સ નશામાં હતા.

૫૦ મુસાફરોને ઍરપોર્ટ પર જ છોડી ગો ઍરની ફ્લાઇટ દિલ્હી જતી રહી

બૅન્ગલોર : બૅન્ગલોરથી દિલ્હી જતી ગો ઍર ફર્સ્ટની ફ્લાઇટ ગઈ કાલે સવારે અમુક મુસાફરોને ઍૅરપોર્ટ પર જ મૂકીને ઊડી ગઈ હતી. મુસાફરોએ આવી ભૂલ બદલ ઍરલાઇનની ટીકા કરી હતી. ગો ઍરની ફ્લાઇટ જી૮-૧૧૬ સવારે ૬.૩૦ વાગે ઊપડી હતી ત્યારે ૫૦થી વધુ મુસાફરો ઍરપોર્ટ પર જ હતા. મુસાફરોએ ઍરલાઇનને ફરિયાદ કરવા ઉપરાંત સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડા પ્રધાન મોદીની ઑફિસને પણ આ વિશે જાણકારી આપતાં ટ્વીટ કર્યાં હતાં. ગો ફર્સ્ટ ઍરવેઝે એ બદલ માફી માગી હતી.

ગુજરાતમાં વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન 

બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વ્યાજખોરો સામે જિલ્લા પોલીસે યોજ્યો લોકદરબાર

અમદાવાદ : ઊંચા વ્યાજે નાણાં ધીરનાર વ્યાજખોરો સામે ગુજરાતમાં ગઈ કાલથી રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાનનો આરંભ થયો છે. ગઈ કાલે બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વ્યાજખોરો સામે જિલ્લા પોલીસે લોકદરબાર યોજીને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની મજબૂરીનો લાભ લઈને ઊંચા વ્યાજે નાણાં આપનારા વ્યાજખોરો સામે ગુજરાત સરકારે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને લોકદરબાર યોજીને નાગરિકોના પ્રશ્નો સાંભળીને એના નિરાકરણ માટે પ્રયાસ કરવા અને ગેરકાયદે વ્યાજ વસૂલતા કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી છે. વ્યાજખોરીના દૂષણને ડામવા માટે ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પોલીસ હેડ ક્વૉટર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો.

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે અનેક અકસ્માત, ઉત્તર પ્રદેશમાં સાતનાં મૃત્યુ

નવી દિલ્હી : ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં અત્યંત ઠંડી પડી રહી છે અને ગાઢ ધુમ્મસ છવાયું છે. ઓછી વિઝિબિલિટીના કારણે રસ્તાઓ પર અકસ્માતો પણ વધ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગરા-લખનઉ એક્સપ્રેસવે પર વાહનો ટકરાવાની અલગ-અલગ ઘટનામાં સાત જણનાં મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે ગુજરાતના રાજકોટથી નેપાલ જઈ રહેલી એક બસ ઉન્નાવમાં આ એક્સપ્રેસવે પર એક ટ્રકની સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ નેપાલી નાગરિક અને ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. પિપરૌલી ગામ પાસે એક અન્ય દુર્ઘટનામાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતા.  

national news uttarakhand uttar pradesh gujarat news ahmedabad air india