News In Shorts: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઑનલાઇન ગેમિંગ કંપનીઓ વિરુદ્ધ સર્ચ 

25 May, 2023 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ તપાસમાં બહાર આવ્યું છે કે ૪૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ગેરકાયદે વિદેશોમાં મોકલવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઑનલાઇન ગેમિંગ કંપનીઓ વિરુદ્ધ સર્ચ 

ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ ભારતમાં સંચાલિત અને વિદેશોમાં રજિસ્ટર્ડ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ અને વેબસાઇટ્સની વિરુદ્ધની તપાસમાં સમગ્ર દેશમાં પચીસ સ્થળોએ ફેમા (ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ)ની જોગવાઈઓ હેઠળ સર્ચ અને જપ્તી ઑપરેશન પાર પાડ્યું હતું. આ તપાસમાં બહાર આવ્યું છે કે ૪૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ગેરકાયદે વિદેશોમાં મોકલવામાં આવ્યું. દિલ્હીમાં ૧૧ લોકેશન્સ, ગુજરાતમાં સાત, મહારાષ્ટ્રમાં ચાર, મધ્ય પ્રદેશમાં બે અને આંધ્ર પ્રદેશમાં એક લોકેશન પર સોમવારે અને મંગળવારે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ અને વેબસાઇટ્સ માલ્ટા અને સાઇપ્રસ જેવા નાના આઇલૅન્ડ દેશોમાં રજિસ્ટર્ડ છે. જોકે એ તમામની લિન્ક પ્રૉક્સી વ્યક્તિઓના નામે ખોલાવવામાં આવેલા ઇન્ડિયન બૅન્ક અકાઉન્ટ્સની સાથે છે. 

ભારત અને ઑસ્ટ્રેલિયાએ માઇગ્રેશન ડીલની જાહેરાત કરી

ભારત અને ઑસ્ટ્રેલિયાએ માઇગ્રેશન ડીલની જાહેરાત કરી હતી. મોદી અને અલ્બનીઝ વચ્ચેની મીટિંગ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આ ડીલનો હેતુ સ્ટુડન્ટ્સ, ગ્રૅજ્યુએટ્સ, ઍકૅડેમિક રિસર્ચર્સ અને બિઝનેસમેન સરળતાથી એકબીજાના દેશમાં જઈ શકે એને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. મોદી અને અલ્બનીઝે મહાત્ત્વાકાંક્ષી કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍગ્રીમેન્ટને વહેલા કરવાની તેમની મહાત્ત્વાકાંક્ષા વિશે ફરી વાત કરી હતી. આ ઍગ્રીમેન્ટથી બન્ને દેશોના વેપારના સંબંધોમાં નોંધપાત્ર વધારો થશે. આ બન્ને લીડર્સે ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપવાની દિશામાં પ્રગતિને આવકારી હતી.

આઝાદીના અમૃત મહોત્સવથી ધ્યાન ગયું

આ રાજદંડ અલાહાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. એના વિશેની સ્ટોરી તામિલ મીડિયામાં પ્રકાશિત થતી રહી. ગયા વર્ષે તામિલનાડુમાં આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે વધુ એક વખત એના પર ફોકસ કરવામાં આવ્યું હતું. પીએમ મોદી એનાથી પ્રભાવિત થયા હતા. તેમણે એની તપાસના આદેશ આપ્યા હતા, જેના પછી નક્કી કરવામાં આવ્યું હતું કે એને નવી સંસદમાં સ્પીકરની ખુરશીની પાસે રાખવામાં આવશે. 

કેટલીક બૅન્ક શાખામાં ટેમ્પરરી કૅશની શૉર્ટેજ થઈ

દેશભરમાં કેટલીક બૅન્ક શાખાઓમાં ગઈ કાલે કૅશ ખૂટી પડવાના કારણે ૨,૦૦૦ રૂપિયાની કરન્સી નોટ્સને એક્સચેન્જ કરવાની પ્રક્રિયા ટેમ્પરરી અટકાવી દેવામાં આવી હતી. કસ્ટમર્સે આ બૅન્ક શાખાઓને નવી કૅશ પહોંચાડવામાં આવી ત્યાં સુધી રાહ જોવી પડી હતી. કેટલીક શાખાઓમાં કામકાજના શરૂઆતના કલાકોમાં કૅશ માટે ધારણા કરતાં વધારે ડિમાન્ડ હતી, જેના કારણે ૫૦૦ રૂપિયા અને એનાથી ઓછા મૂલ્યની કરન્સી નોટ્સની શૉર્ટેજ સર્જાઈ હતી. 

ઇલૉન મસ્ક ઇન્ડિયામાં ટેસ્લાની નવી ફૅક્ટરી શરૂ કરશે?

ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઇલૉન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે આ ઑટોમોબાઇલ કંપની આ વર્ષના અંત સુધીમાં નવી ફૅક્ટરી માટે કદાચ લોકેશન શોધી લેશે. વૉલ સ્ટ્રીટ જર્નલના થોરોલ્ડ બર્કેરે જ્યારે મસ્કને એક ઇવેન્ટમાં પૂછ્યું કે ઇન્ડિયા ઇન્ટરેસ્ટિંગ છે તો મસ્કે કહ્યું હતું કે ‘બિલકુલ.’ ટેસ્લા ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ શરૂ કરવાના એના પ્લાન વિશે ગંભીર છે. ટેસ્લાએ આ વર્ષની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે એ મેક્સિકોમાં એક ખૂબ જ વિશાળ ફૅક્ટરી શરૂ કરશે. આ ઑટોમોબાઇલ કંપની દુનિયામાં જુદા-જુદા દેશોમાં ઉત્પાદન શરૂ કરવા ઇચ્છે છે. રિસન્ટલી એવા ન્યૂઝ આવ્યા હતા કે ટેસ્લાના સીનિયર અધિકારીઓની ટીમ ભારતમાં આવી હતી.

cyber crime elon musk international news national news new delhi directorate of enforcement australia narendra modi parliament