ન્યૂઝ શોર્ટમાં: જાણો નેશનલ અને ઈન્ટરનેશનલમાં શું ચાલી રહ્યું છે

08 June, 2021 01:33 PM IST  |  New Delhi | Agency

કેન્દ્ર સરકારે તાજેતરમાં સીબીએસઇની ૧૨મા ધોરણની પરીક્ષા રદ કરી ત્યાર બાદ બીજા ઘણા રાજ્યોએ પણ પોતાને ત્યાં ૧૦મા ઉપરાંત ૧૨મા ધોરણની એક્ઝામ રદ જાહેર કરી હતી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાના નવા કેસ ઘટીને એક લાખની નજીક
દેશમાં દરરોજ કોરોનાના નવા કેસની જે દૈનિક સંખ્યા જાહેર થાય છે એમાં ગઈ કાલે વધુ ઘટાડો થયો હતો અને સરકારી આંકડા મુજબ ગઈ કાલે સવારે ૮.૦૦ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં એ આંકડો ઘટીને એક લાખની નજીક આવી ગયો હતો. આ ચોવીસ કલાકમાં ૧,૦૦,૬૩૬ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ૬૧ દિવસમાં આ સૌથી ઓછો દૈનિક આંકડો છે. અૅક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને ૧૪,૦૧,૬૦૯ થઈ છે. આ પહેલાં રોજના એક લાખથી ઓછા કેસ ૬ એપ્રિલે નોંધાયા હતા. એ દિવસે નવા ૯૬,૯૮૨ કેસ રજિસ્ટર થયા હતા. દેશમાં કોરોના વાઇરસથી નોંધાયેલા નવા ૨૪૨૭ મૃત્યુને ગણતરીમાં લેતાં આ વાઇરસથી મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૩,૪૯,૧૮૬ ઉપર પહોંચી હતી.

બંગાળમાં પણ ૧૦મા, ૧૨માની પરીક્ષા રદ 
કેન્દ્ર સરકારે તાજેતરમાં સીબીએસઇની ૧૨મા ધોરણની પરીક્ષા રદ કરી ત્યાર બાદ બીજા ઘણા રાજ્યોએ પણ પોતાને ત્યાં ૧૦મા ઉપરાંત ૧૨મા ધોરણની એક્ઝામ રદ જાહેર કરી હતી અને હવે રહી-રહીને બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પણ ગઈ કાલે જાહેર કર્યું કે તેમના રાજ્યમાં આ વર્ષની માધ્યમિક (૧૦મું ધોરણ) તથા ઉચ્ચ માધ્યમિક (૧૨મું ધોરણ)ની બોર્ડની પરીક્ષા કોવિડ-૧૯ની મહામારીને કારણે નહીં લેવામાં આવે.

૧૦ ટ્રિલ્યન ડૉલરની ટ્રમ્પની માગણી ચીને ફગાવી દીધી
કોવિડ-19ને કારણે વિશ્વભરમાં થયેલા મૃત્યુ અને નુકસાન સામે વળતર સ્વરૂપે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ૧૦ અરબ ડૉલર્સ (એટલે કે લગભગ ૭૨૮ અરબ રૂપિયા)ની માગણીને ચીને એમ કહીને ફગાવી દીધી હતી કે આ જવાબદારી રાજકારણીઓની છે, જેઓએ લોકોના જીવન અને આરોગ્યની અવગણના કરી હતી. શનિવારે નોર્થ કેરોલિનામાં રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં બોલતાં ડોનલ્ડ ટ્રમ્પે કોવિડ-19ને ચીની વાઇરસ કે વુહાન વાઇરસ તરીકે ઓળખાવતાં કહ્યું હતું કે ચીને ભારે વળતર ચૂકવવું જોઈએ. 

આઇવરમેક્ટિન યાદીમાંથી બહારઃ ગોવા મુસીબતમાં
કોરોના વાઇરસને રોકવા માટે ગોવા સરકારે તાજેતરમાં એક પહેલના ભાગરૂપે કરોડો રૂપિયાની આઇવરમેક્ટિન ટૅબ્લેટ્સની વહેંચણી કરી હતી. જોકે કેન્દ્ર સરકારે કોવિડ મૅનેજમેન્ટ પ્રોટોકૉલમાંથી આ ઍન્ટિ પેરાસાઇટિક ડ્રગને દૂર કરતાં ગોવા સરકાર ફસાઈ ગઈ છે. ગોવા સરકારે ૧૦ મેએ એના કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકૉલમાં સુધારો કરતાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાનું જોખમ ટાળવા માટે આઇવરમેક્ટિનની પાંચ ટૅબ્લેટ્સ લેવાનું ફરજિયાત કર્યું હતું, જે તમામ જાહેર આરોગ્ય કેન્દ્ર, મહિલા અને બાળ કલ્યાણ કેન્દ્ર તેમ જ આંગણવાડી વર્કર્સ પાસેથી મફતમાં વહેંચવામાં આવી રહી હતી.

પાકિસ્તાનમાં ખડી પડેલી ટ્રેન પર એક્સપ્રેસ ટ્રેન જઈ ચડી : અનેકનાં મૃત્યુ
પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં ગઈ કાલે બે ટ્રેન વચ્ચે થયેલા અકસ્માત બાદ સલામતી દળોએ તરત બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ બનાવમાં ખીચોખીચ ભરાયેલી મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦થી વધુ ઘાયલ થયા હતા. મિલ્લતની બોગીઓ ઘોટકી પાસે અનિયંત્રિત થઈને બીજા ટ્રૅક પર પડી હતી અને સામેથી આવી રહેલી સૈયદ એક્સપ્રેસ સાથે એની અથડામણ થઈ હતી. આ કારણે મિલ્લતની ૮ અને સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ૪ બોગીઓ ટ્રૅક પરથી ઊતરી ગઈ હતી. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેન કાપવી પડે એમ હતી, પરંતુ અકસ્માતના અનેક કલાકો બાદ પણ મોટાં મશીનો ત્યાં નહોતાં પહોંચ્યાં. 
 એ.એફ.પી.

દુર્લભ ‘જિનોમ’ પુરવાર કરે છે કે કોવિડનો વાઇરસ ચીની લૅબમાં જ બનેલો: અમેરિકી નિષ્ણાતો
કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરના કુખ્યાત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીમાંથી લીક થયો હોવાની જોર પકડી રહેલી અફવાઓ વચ્ચે બે અમેરિકી નિષ્ણાતો ડૉક્ટર સ્ટીફન ક્વે અને રિચાર્ડ મુલરએ એવો દાવો કર્યો છે કે કોવિડ-19ના દુર્લભ જિનોમ (જિનના સમૂહ) પરથી એ પુરવાર થાય છે કે કોરોના વાઇરસ ચીની લૅબોરેટરીમાં વિકસિત કરવામાં આવ્યો હતો. બન્ને નિષ્ણાતોના વૉલ સ્ટ્રીટ જરનલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે ‘કોવિડ-19 રોગકારી જિનેટિક ફુટપ્રિન્ટ ધરાવે છે, જે કોઈ કુદરતી કોરોના વાઇરસમાં ક્યારેય જોવા મળ્યો નથી. 

national news new delhi coronavirus covid19 united states of america pakistan west bengal