લાખથી વધુ ઍક્ટિવ કેસવાળા રાજ્યોની સ્થિતિની મોદીએ સમીક્ષા કરી

07 May, 2021 12:16 PM IST  |  New Delhi | Agency

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી હતી. એમાં વિશેષ રૂપે એક લાખથી વધારે ઍક્ટિવ કેસિસ ધરાવતાં રાજ્યોની ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાને દરદીઓની મોટી સંખ્યાને કારણે ચિંતાજનક સ્થિતિ ધરાવતા કેટલાક જિલ્લાની વિગતો પણ જાણી હતી. એ સમીક્ષા બેઠકમાં વડા પ્રધાને હેલ્થ કૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે રાજ્યોને માર્ગદર્શન અને પીઠબળ આપવાની સૂચના કેન્દ્ર સરકારના અમલદારોને આપી હતી.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય તરફથી જે જિલ્લાઓમાં ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે હોય અને ઑક્સિજનેટેડ-આઇસીયુ બેડ ઑક્યુપન્સી ૬૦ ટકાથી વધારે હોય એવા જિલ્લાઓને સલાહ-સૂચનાઓનો પત્ર મોકલવામાં આવ્યો હોવાની વડા પ્રધાને નોંધ લીધી હતી. નરેન્દ્ર મોદીએ આવશ્યક દવાઓના પુરવઠાની સ્થિતિની નોંધ લઈને રેમડેસિવિર જેવી દવાઓનું ઉત્પાદન વધારવા બાબતે સૂચનાઓ આપી હતી. રાજ્યોને ૧૭.૭ કરોડ વૅક્સિન્સનો પુરવઠો મોકલવામાં આવ્યો હોવાનું પણ વડા પ્રધાનને જણાવવામાં આવ્યું હતું. 

national news narendra modi new delhi coronavirus covid19