મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઇઝને પસંદ કરી

25 February, 2020 07:37 AM IST  |  New Delhi

મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઇઝને પસંદ કરી

મોદી-ટ્રમ્પ

વર્લ્ડ મીડિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર છે. અમેરિકાના ન્યુઝ પેપર ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે લખ્યું છે કે વિશ્વભરના નેતા ટ્રમ્પના અહંકારને સંતોષવાની કોશિશ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડને પસંદ કરી. પાકિસ્તાનના ન્યુઝ પેપર ‘ધ ડૉન’એ ભારત અને અમેરિકાની વચ્ચેના ટ્રેડ ડીલ વિવાદને અમેરિકા ફર્સ્ટ વિરુદ્ધ મેક ઇન ઇન્ડિયાની લડાઈ ગણાવી. જ્યારે અલઝઝીરાએ લખ્યું કે ટ્રમ્પનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતમાં નાગરિકતા કાયદામાં સંશોધન બાદ દેખાવો થઈ રહ્યા છે.

અમેરિકાના ન્યુઝ પેપર ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે લખ્યું કે બ્રિટનની પાસે મહારાણી છે એટલે તેઓ ટ્રમ્પ માટે બકિંગહૅમ પૅલેસમાં ડિનરનું આયોજન કરે છે. ફ્રાન્સમાં બાસ્તિલ ડે ઊજવવામાં આવે છે. આ કારણે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને મિલિટરી પરેડમાં બોલાવે છે. જપાનમાં રાજાશાહી છે એટલા માટે તેઓ ટ્રમ્પને બોલાવે છે અને સાથે જ સુમો મૅચ પણ બતાવવા લઈ જાય છે. આ જ રીતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડની સાઇઝને પસંદ કરી. અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો આવ્યા. આટલા જ લોકો ઍરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમની વચ્ચે રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

જર્મન માર્શલ ફન્ડ ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્‌સના એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર જુલિયન સ્મિથના હવાલાથી એનવાઇટીએ લખ્યું કે વિશ્વના મોટા નેતા અમેરિકાના રાષ્ટ્રપતિની ટૂરમાં ઐતિહાસિક સ્થાનોના પ્રવાસ અને સ્થાનિક વાનગીઓને ઓછી કરી રહ્યાં છે અથવા તો હટાવી રહ્યાં છે. તેઓ તેમના અહંકારને પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણે અલગ-અલગ રીતે જોયું પરંતુ નેતાઓનું લક્ષ્ય દરેક વખતે સમાન જ રહ્યું છે અને એ કે ટ્રમ્પને કંઈક અલગ અનુભવ કરાવી શકે. ભારતીયોએ એ નક્કી કર્યું કે જ્યારે ટ્રમ્પ અમેરિકા પાછા આવે તો ભારત વિશે કેટલાક સારા અનુભવ સાથે લઈને આવે.

પાકિસ્તાનના ન્યુઝ પેપર ‘ધ ડૉન’એ લખ્યું કે અમેરિકા-ભારતની વચ્ચેનો કારોબારી સંબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યો હતો. જોકે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ અને વડા પ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયાના નારાના કારણે આ સંબંધો વધુ બગડી રહ્યા છે. ચીનની સાથે ટ્રેડ વૉર છતાં ટ્રમ્પે ભારતને લઈને નિવેદન અને એની પર ભારતની પ્રતિક્રિયાને કારણે ભારત-અમેરિકાની વચ્ચે કોઈ મોટી ડીલ ન થઈ શકી. ટ્રમ્પના ભારત પ્રવાસ પર એક અમેરિકન અધિકારીએ કહ્યું કે ભારતની કાર્યવાહીઓએ ભારતમાં સંરક્ષણવાદની ચિંતાઓને વધુ વધારી દીધી છે.

narendra modi donald trump motera stadium ahmedabad india united states of america