કેન્દ્રનો આદેશઃ કોવિડ હૉસ્પિટલમાં કોઈપણ ઑક્સિજન સપ્લાય નહીં રોકી શકે

22 April, 2021 09:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઔદ્યોગિક વપરાશ માટે ઑક્સિજનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોના હૉસ્પિટલમાં મેડિકલ ઑક્સિજનની અછતને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદો સતત ચાલુ જ છે. આ દરમિયાન કેન્દ્રએ આદેશ આપ્યો છે કે, ઑક્સિજન સપ્લાય પર કોઈ પ્રતિબંધ નહીં રહે. કોઈ ચોક્કસ રાજ્ય માટે સપ્લાય રોકી શકાય નહીં. તેમજ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ઑક્સિજનની આંતરરાજ્ય અવરજવરમાં કોઈ પ્રકારની રુકાવટ ઉભી થવી ના જોઈએ.આ સિવાય કેન્દ્ર સરકારે ઔદ્યોગિક વપરાશ માટે ઑક્સિજનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. અગાઉના આદેશમાં ૯ વિશેષ ઉદ્યોગોને આ છુટ આપવામાં આવી હતી.

દિલ્હી સરકારે ફરિયાદ કરી હતી કે, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકાર કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીમાં આવતા મેડિકલ ઑક્સિજનની સપ્લાય અટકાવી રહી છે અને દિલ્હીમાં ઑક્સિજનનો સ્ટોક બહુ જલ્દી પુર્ણ થઈ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, ઑક્સિજન વહન કરતા વાહનોની અવરજવરને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે કોઈપણ વિક્ષેપ વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસઃ કોરોના સામે લડવા માટે અત્યાર સુધી શું તૈયારીઓ કરી?

ગૃહ સચિવ તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ઑક્સિજનની ર્નિવિધ્ન આંતરરાજ્ય અવરજવર માટે સંબંધિત વિભાગોને પહેલા જ નિર્દેશ આપવામાં આવે. કોઈપણ ઑક્સિજન મેન્યૂફેક્ચરર કે સપ્લાયર પર કોઇ પ્રતિબંધ ન હોવો જોઈએ કે તે ઑક્સિજન ફક્ત તે રાજ્યને જ આપી શકે છે જ્યાં પ્લાન્ટ છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શહેરોની અંદર મેડિકલ ઑક્સિજનવાળા વાહનોને કોઇપણ સમયે પ્રતિબંધ વગર ચાલવા દેવામાં આવે.

national news coronavirus covid19 home ministry