મેં પહેલાં જ કહ્યું હતું મોદી નીચ છે : મણિશંકર અય્યર

15 May, 2019 07:11 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

મેં પહેલાં જ કહ્યું હતું મોદી નીચ છે : મણિશંકર અય્યર

મણિશંકર અય્યર

લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કા પહેલાં કૉગ્રેસના સિનિયર નેતા મણિશંકર અય્યર ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ૨૦૧૭માં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલા વિવાદિત નિવેદન નીચ પ્રકારની વ્યક્તિને યોગ્ય ઠરાવી એના પર લેખ લખ્યો છે. ૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. જોકે એ સમયે બીજેપીએ આ નિવેદનને મુદ્દો બનાવી કૉગ્રેસને આડે હાથ લીધી હતી. કૉગ્રેસે પણ એ સમયે અય્યરની ઝાટકણી કાઢી હતી અને પક્ષને આ નિવેદન સાથે કંઈ લેવાદેવા નથી એમ કહ્યું હતું.

ચારેય તરફથી ઘેરાયેલા અય્યરે પાછળથી માફી માગવી પડી હતી અને મણિશંકરે તેમના શબ્દનું ખોટું અર્થઘટન થયું હોવાનું કહ્યું તથા કહ્યું કે આ મારું વ્યક્તિગત નિવેદન છે. તાજેતરમાં છપાયેલા તેમના લેખમાં વડા પ્રધાન મોદીની અત્યારની રૅલીઓનાં નિવેદનોને ટાંકીને કહ્યું છે, યાદ છે ૨૦૧૭માં મેં મોદીને શું કહ્યું હતું? શું મેં બરાબર ભવિષ્યવાણી નહોતી કરી?

તેમણે કહ્યું કે શુક્ર હૈ ૧૦ દિવસની અંદર આ દૌરને જોઈશું નહીં. તમે ત્યાર બાદ મને મળજો, હું ત્યારે પણ હસતો રહીશ. આર્ટિકલ પર સતત પ્રશ્ન પૂછવા પર અય્યરે કહ્યું કે આ આખો આર્ટિકલ છે. એક લીટીને લઈ તમે મારી પાછળ પડ્યા છો. હું ઉલ્લુ છું, પરંતુ એટલો મોટો ઉલ્લુ નથી. તમે (મીડિયા) આજે મને બરબાદ કરીને કાલે બીજે ક્યાંક જતા રહેશો. મોદી દેશવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના દોષી છે. તેઓ છીછરો પ્રચાર કરે છે.

કૉગ્રેસ નેતાએ કહ્યું કે મેં હાલમાં જ સાંભળ્યું છે વડા પ્રધાન વાયુસેનાને વાદળાં હોવા છતાં બાલાકોટ સ્ટ્રાઇકનો આદેશ આપે છે. ઍરફોર્સના અધિકારીઓએ ત્યાં સુધી ટાળવાનું કહ્યું હતું જ્યાં સુધી હવામાન ઠીક ન થઈ જાય. પરંતુ તેમને પોતાની ૫૬ ઇંચની છાતી વધુ પહોળી કરવી હતી. તેમણે વિચાયુંર્‍ કે વાદળાં આપણી વાયુસેના માટે એટલા માટે યોગ્ય રહેશે, કેમ કે એના કારણે પાકિસ્તાન વાયુસેના કોઈ જ કાર્યવાહી નહીં કરી શકે. આ આપણી વાયુસેનાનું અપમાન છે. તેમને લગભગ એ ખ્યાલ નથી કે રડાર કોઈ ટેલિસ્કોપ નથી હોતું કે એ વાદળાંની પાર ન જોઈ શકે. શું મોદી વાયુસેનાના સિનિયર અધિકારીઓને મૂર્ખ સમજે છે કે તેની સામે આવા અવૈજ્ઞાનિક તર્ક રાખે?

૭ ડિસેમ્બર, ૨૦૧૭ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કૉગ્રેસ પાર્ટી અને વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી પર ઇશારામાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે કૉગ્રેસે એક પરિવારને પ્રોત્સાહન આપવા માટે બાબાસાહેબના યોગદાનને દબાવ્યું. વડા પ્રધાનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં અય્યરે મોદીને નીચ અને અસભ્ય કહ્યા હતા. અય્યરે કહ્યું હતું કે મને લાગે છે આ ખૂબ જ નીચ પ્રકારની વ્યક્તિ છે. તેમનામાં કોઈ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાની શું જરૂર છે?

આ પણ વાંચો : વધી માયાવતીની મુશ્કેલીઓ, સુગર મિલ મામલે કરશે ED મની લોન્ડ્રિંગની તપાસ

અય્યર ગાંધી પરિવારના રત્ન છે : બીજેપીનો કટાક્ષ

ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કર્યું કે તેઓ (અય્યર) લગભગ એવું વિચારીને દુ:ખી હતા કે સૅમ પિત્રોડાએ બધાનું ધ્યાન ખેંચી લીધું. ગેરજવાબદાર અય્યરે પિત્રોડાનાં પદચિહ્નો પર ચાલતાં વડા પ્રધાન માટે પોતાના નીચ નિવેદનને બીજી વખત સમર્થન આપ્યું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કટાક્ષ કરતાં અય્યરને ગાંધી પરિવારના રત્ન ગણાવ્યા.

narendra modi national news congress bharatiya janata party