મહાકુંભની શરૂઆત ભારતીય મૂલ્યોને વળગી રહેતા લોકો માટે વિશેષ દિવસ : નરેન્દ્ર મોદી

14 January, 2025 02:19 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિરાટ ઉત્સવ આપ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એવી કામના વડા પ્રધાને કરી

નરેન્દ્ર મોદી

સોમવારે પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને વળગી રહેતા લોકો માટે એક વિશેષ દિન ગણાવ્યો હતો. આ વિશાળ ધાર્મિક કાર્યક્રમ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્ત બનાવે છે; જે અસંખ્ય લોકોને વિશ્વાસ, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં એકસાથે લાવે છે.

ગઈ કાલે સવારે મોદીએ સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે પોષી પૂર્ણિમા પર પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજની પુણ્યભૂમિ પર મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે. આપણી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે હું તમામ શ્રદ્ધાળુઓને હૃદયથી વંદન અને અભિનંદન કરું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિરાટ ઉત્સવ આપ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એ કામના છે.

મોદીએ કહ્યું હતું કે ‘મોટી સંખ્યામાં પ્રયાગરાજમાં આવેલા શ્રદ્ધાળુઓની ધમાલ જોઈને ખુશી થઈ રહી છે. પ્રયાગરાજમાં અસંખ્ય લોકો આવી રહ્યા છે, પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે અને ઈશ્વર પાસે આશીર્વાદ માગી રહ્યા છે. તમામ તીર્થયાત્રીઓ અને ટૂરિસ્ટોનો અનુભવ શાનદાર રહે એવી કામના છે.’

narendra modi kumbh mela prayagraj religion religious places culture news national news news