26 February, 2025 07:08 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ડૂબકી લગાવ્યા પછી એકનાથ શિંદેએ પવિત્ર ત્રિવેણી સંગમની કળશપૂજા કરી હતી. પંકજા મુંડેએ પણ તેમનાં માતા પ્રજ્ઞા મુંડે સાથે સંગમસ્નાન કર્યું હતું.
આવતી કાલે પૂરા થઈ રહેલા મહાકુંભમાં ગઈ કાલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાની પત્ની અને શિવસેનાના ચાર મિનિસ્ટરની સાથે ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન કર્યું હતું. એકનાથ શિંદેની સાથે ઉદય સામંત, દાદા ભુસે, ભરત ગોગાવલે અને ગુલાબરાવ પાટીલ હતા. સ્નાન કર્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મહાકુંભ સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવર્તનનું કેન્દ્ર છે. આ પવિત્ર સંગમના સ્થળે સ્નાન કરવાથી જીવન સાર્થક થાય છે. કરોડો લોકોએ અહીં પવિત્ર ડૂબકી લગાવી છે, પણ બધાને સમાન સન્માન મળ્યું છે. અહીં કોઈ નાનું-મોટું નથી. અત્યાર સુધી ૬૩ કરોડ લોકોએ કુંભસ્નાન કર્યું છે જે એક વર્લ્ડ-રેકૉર્ડ છે. અહીં આવનાર દરેક ભક્ત સકારાત્મક ઊર્જા લઈને પાછો જાય છે.’
એકનાથ શિંદે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા અને રાજ્યનાં પર્યાવરણ ખાતાનાં પ્રધાન પંકજા મુંડેએ પણ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
બ્રાઝિલિયનો મહાકુંભમાં
આવતી કાલે મહાશિવરાત્રિના દિવસે મહાકુંભનું સમાપન થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે સંગમતટ પર બ્રાઝિલનું આ ગ્રુપ જોવા મળ્યું હતું.