29 July, 2024 07:14 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
અમરનાથ ગુફા
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા બરફના શિવલિંગનાં દર્શન ગયા વર્ષે ૪.૪૫ લાખ ભાવિકોએ કર્યાં હતાં અને આ વર્ષે આ રેકૉર્ડ અમરનાથ યાત્રા શરૂ થયાના પહેલા ૨૯ દિવસમાં તૂટી ગયો છે.
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દર વર્ષે યોજાતી આ યાત્રાનું આયોજન કરે છે અને અેણે ગઈ કાલે જણાવ્યું હતું કે ૨૯ જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં માત્ર ૨૯ દિવસમાં ૪.૫૧ લાખ ભાવિકોએ અમરનાથ ગુફામાં જઈને બર્ફાની બાબાનાં દર્શન કર્યાં હતાં. ગયા વર્ષે સમગ્ર અમરનાથ યાત્રામાં ૪.૪૫ લાખ લોકોએ દર્શન કર્યાં હતાં. આમ ગયા વર્ષનો રેકૉર્ડ માત્ર ૨૯ દિવસમાં જ તૂટી ગયો છે.
આ વર્ષે આર્મી અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો શાંતિથી અને સરળતાથી અમરનાથ ગુફામાં જઈને દર્શન કરી શકે છે. બાવન દિવસ ચાલનારી આ યાત્રા આ વર્ષે ૧૯ ઑગસ્ટે શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનના પવિત્ર દિવસે સમાપ્ત થશે.