Holi 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ આપી હોળીની શુભેચ્છા

29 March, 2021 10:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે ટ્વીટ કરીને આપી હોળીની શુભકામનાઓ

નરેન્દ્ર મોદી, કમલા હેરિસ

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે આજે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાના પગલે દેશવાસીઓને ઘરમાં જ રહીને હોળીનો તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind), ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah), ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani), ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath), કોંગ્રેસના રાહુલ ગાંધી (Rahul Gandhi), માયાવતી (Mayavati) સહિતના નેતાઓએ હોળીની શુભેચ્છાઓ આપી છે. ઉપરાંત અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ (Kamala Harris)એ પણ હોળીની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીની શુભેચ્છા આપતાં ટ્વીટ કર્યું કે, ‘આપ સૌને હોળીની બહુ બધી શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, ‘હોળીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. રંગોના તહેવાર હોળી, સામાજિક સંવાદિતાનો તહેવાર છે અને લોકોના જીવનમાં ખુશી, ઉત્સાહ તથા આશા લાવે છે. હું ઈચ્છું છું કે ઉમંગ અને ઉલ્લાસનું આ પર્વ આપણી સાંસ્કૃતિક વિવિધતામાં રાષ્ટ્રીય ચેતનાને વધુ શક્તિ પ્રદાન કરે.’

અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, ‘સમસ્ત દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એકતા અને સદભાવનાનું આ મહાપર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે.’

વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, ‘સમાજમાં પરસ્પર પ્રેમ, બંધુત્વ અને સામાજિક સમરસતાના રંગોની અભિવ્યક્તિના મહાપર્વ રંગોત્સવ હોળી-ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. પ્રકૃતિના નવસર્જનનું આ મહાપર્વ દરેકના જીવનને અનંત સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ સાથે નવસર્જીત કરે તેવી મંગલકામનાઓ.’

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘અમારા દેશના વિવિધતાના રંગોના ઉત્સવના બધા રંગોના તહેવાર હોળીની શુભેચ્છાઓ. કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરો, સુરક્ષિત રહો.’

યોગી આદિત્યનાથે તમામ દેશવાસીઓને હોળની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ‘અસત્ય પર સત્યની વિજયના મહાઉત્સવ, મહાપર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ઈશ્વરને પ્રાર્થના છે કે પ્રેમ, ઉલ્લાસ અને આનંદને સમર્પિત આ તહેવાર એકતાના રંગને વધુ ગાઢ કરે.’

માયાવતીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હોળીના તહેવાર પર દેશના તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. કોરોના ફાટી નીકળ્યા બાદ દેશમાં ફરી આતંક ફેલાયો છે એટલે `જાન હૈ તો જહાં હૈ`ના મંત્રનું પાલન કરીને સાદગીથી સુરક્ષિત હોળી ઉજવવાની અપીલ.’

કમલા હેરિસે હોળીની શુભકામનાઓ આપતા ટ્વીટ કરીને લખ્યું કે, ‘હોળી મુબારક! હોળીને જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે જે દોસ્તો અને પ્રિયજનો પર ફેંકવામાં આવે છે. ખુશીઓથી ભરેલો હોળીનો તહેવાર સકારાત્મક્તા, આપણા મતભેદો દૂર કરીને સાથે આવવાનો તહેવાર છે.’

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી ઘરમાં રહીને ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી હતી.

national news holi narendra modi ram nath kovind amit shah Vijay Rupani yogi adityanath rahul gandhi mayawati