Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,968 કેસ, 465ના મોત

24 June, 2020 10:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,968 કેસ, 465ના મોત

ફાઈલ તસવીર

કોરના વાયરસ (COVID-19) સંક્રમિતોની સંખ્યા દેશમાં દિવસેને દિવસે વધતી જ જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા 15,968 કેસ નોંધાયા છે અને 465 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો 4,56,183 થયો છે. તેમાંથી 1,83,022 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 14,476 લોકોએ દેશમાં કોરોના વાયરસને લીધે પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ 2,58,685 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 3.23 ટકા થઈ ગયો છે. જ્યારે દર્દીઓ સાજા થવાનો દર વધીને 57.7 ટકા થયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં 3,721 નવા કેસ નોંધાયા છે અને 113 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,35,796એ પહોચ્યો છે. તેમાંથી 61,798 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 6,283 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં પુણે, મુંબઈ અને થાણેની પરિસ્થિતિ ગંભીર છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા 3,721 નવા કેસમાંથી 1,098 કેસ મુંબઈમાં અને 1,002 કેસ થાણેમાં નોંધાયા હતા.

ગુજરાત રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ નોંધાય છે. મંગળાવરે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 549 નવા દર્દીઓ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં પોઝિટિવ કરતાં નેગેટિવ દર્દીની સંખ્યા વધારે આવી છે. 604 દર્દીઓ કોરના સામેની જંગ જીતીને સાજા થયા છે. ગુજરાતમાં અમદાવાદના આંકડાઓ ચિંતાજનક છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં કોર્પોરેશનની રેન્જમાં નોંધાયા છે. કોર્પોરેશનની રેન્જમાં અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં 230 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 28,429 થયો છે. તેમાંથી 6,197 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 20,521 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

રાજસ્થાનમાં સોમવારે 302 નવા કેસ નોંધાયા હતા અને નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 15,232 થઈ ગઈ છે. તેમાંથી 2,966 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 356 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે.

મધ્યપ્રદેશમાં સોમવારે 175 નવા કેસ નોંધાયા હતા અને છ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,078 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 521 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 9,215 દર્દીઓ સાજા થયા છે.

ઉત્તરપ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 591 નવા દર્દીઓ નોંધાયા હતા અને 19 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 18,322 થઈ છે. તેમજ અત્યાર સુધીમાં 569 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બિહારમાં સોમવારે 228 નવા કેસ નોંધાયા હતા અનેએક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 7,893 થઈ ગયો છે. તેમાંથી 2,074 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 52 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.

ભારત માટે સારા સમાચાર એ છે કે, વસ્તીના પ્રમાણમાં અહીં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા ઓછી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ પ્રમાણે, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સંક્રમણની અસર ઘણી ઓછી છે. તેમજ વિશ્વભરમાં કોરોનાથી એક લાખ દીઠ લોકોમાં જ્યાં સરેરાશ 6.04 લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ભારતમાં એક લાખની વસ્તીમાં એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ તમામ રાજ્ય સરકારોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે. મંગળવારે કાઉન્સિલ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાને ફેલાતો અટકાવવા માટે શક્ય એટલા જલ્દી સંક્રમિતોની ઓળખ કરવામાં આવે અને તેમનો ઈલાજ થાય. આ રીતે વધારે લોકોની તપાસ થાય.

coronavirus covid19 india maharashtra mumbai thane pune gujarat ahmedabad rajasthan madhya pradesh uttar pradesh bihar