Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસ, ૫૦૭ દર્દીઓનાં મોત

22 July, 2021 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં ફક્ત નવા કેસ જ નહીં પણ એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારત દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે દરરોજ નોંધાતા કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ફક્ત નવા કેસ જ નહીં પણ એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ૪૧,૩૮૩ નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેમજ ૫૦૭ લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. આ સિવાય ગત ચોવીસ કલાકમાં ૩૮,૬૫૨ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩,૧૨,૫૭,૭૨૦ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૩,૦૪,૨૯,૩૩૯ લોકો કોરોનામાંથી સાજા થયા છે અને કુલ ૪,૧૮,૯૮૭ લોકોના મોત થયા છે. દેશમાં અત્યારે ૪,૦૯,૩૯૪ એક્ટિવ કેસ છે. તદઉપરાંત, દેશમાં અત્યાર સુધી કુલ ૪૧,૭૮,૫૧,૧૫૧ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં ૨૨,૭૭,૬૭૯ લોકોને વૅક્સિન આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ૨૧ જુલાઈ સુધીમાં ભારતમાં કુલ ૪૫,૦૯,૧૧,૭૧૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે ૨૪ કલાકમાં ૧૭,૧૮,૪૩૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૬૨ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૬૧ લોકો સાજા થયા હતા અને ૪ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૪,૩૫,૬૭૧ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૪,૧૦,૦૬૬ લોકો સાજા થયા છે અને કુલ ૨૫,૦૩૯ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ ૫૬૬ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૮,૧૫૯ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૭,૮૩૯ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૧૬૫ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૬૨,૩૭,૭૫૫ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૬૦,૦૮,૭૫૦ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૧,૩૦,૯૧૮ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૯૮,૦૮૭ એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૨૮ નવા કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ૫૦ લોકો સાજા થયા હતા અને ૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૮,૨૪,૫૭૪ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી કુલ ૮,૧૪,૧૦૯ લોકો સાજા થયા છે અને ૧૦,૦૭૬ દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં ૩૮૯ એક્ટિવ કેસ છે.

coronavirus covid19 covid vaccine vaccination drive national news maharashtra gujarat new delhi