Coronavirus Updates: દેશમાં સતત ચોથા દિવસે ચાર લાખથી વધુ નવા કેસ

09 May, 2021 01:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાહતના સમાચાર એ છે કે, દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩.૮૬ લાખ લોકો સાજા થયા

શનિવારે સિલિગુરી નજીકના સ્મશાનગૃહમાં પીપીઈ કીટ પહેરીને અંતિમવિધિ કરતા લોકો (તસવીરઃ એએફપી)

કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર બેકાબૂ બની છે. દેશમાં દરરોજ નોંધાતા નવા આંકડાઓ એક નવો રેકૉર્ડ બનાવી રહ્યાં છે. જે ચિંતાનું કારણ છે. દેશમાં છેલ્લા ચાર દિવસથિ સતત દિવસમાં ચાર લાખ કરતા વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. પણ સાથે રાહતની વાત એ છે કે, વધુને વધુ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થઈ રહ્યાં છે. દેશના ૧૫ રાજ્યોમાં સંપૂર્ણ લૉકડાઉન જેવા પ્રતિબંધો છે. જ્યારે દેશના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લૉકડાઉન છે.

રવિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના ૪,૦૩,૭૩૮ નવા કેસ નોંધાયા છે. તેમજ ૪,૦૯૨ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. તે સિવાય છેલ્લા ચોવીસ કલાકમાં ૩,૮૬,૪૪૪ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૨૨,૯૬,૪૧૪ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧,૮૩,૧૭,૪૦૪ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે અને કુલ ૨,૪૨,૩૬૨ લોકોના મોત થયા છે. અત્યારે દેશમાં ૩૭,૩૬,૬૪૮ એક્ટિવ કેસ છે. તે સિવાય ભારતમાં ૧૬,૯૪,૩૯,૬૬૩ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે. તેમજ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ મે સુધીમાં ભારતમાં કુલ ૩૦,૨૨,૭૫,૪૭૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી શનિવારે ૧૮,૬૫,૪૨૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શનિવારે કોરોનાના ૧૭,૩૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦,૧૬૦ લોકો સાજા થયા હતા અને ૩૩૨ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં અત્યારસુધીમાં ૧૩,૧૦,૨૩૧ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૨,૦૩,૨૫૩ લોકો સાજા થયા છે અને કુલ ૧૯,૦૭૧ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ ૮૭,૯૦૭ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શનિવારે કોરોનાના ૫૬,૫૭૮ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૮૨,૨૬૬ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૮૬૪ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૫૦,૫૩,૩૩૬ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૪૩,૪૭,૫૯૨ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૭૫,૨૭૭ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૬,૩૦,૪૬૭ એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે શનિવારે કોરોનાના ૧૧,૮૯૨ કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ૧૪,૩૬૬ લોકો સાજા થયા હતા અને ૧૧૯ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૬,૬૯,૯૨૮ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી કુલ ૫,૧૮,૨૩૪ લોકો સાજા થયા છે અને ૮,૨૮૩ દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં ૧,૪૩,૪૨૧ એક્ટિવ કેસ છે.

coronavirus covid19 national news new delhi maharashtra gujarat