Coronavirus Outbreak: દેશમાં એક જ દિવસમાં 4 લાખ કેસ નોંધાયા, મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

08 May, 2021 12:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસના સંક્રણની બીજી લહેર વધુને વધુ કારમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 4 હજારથી વધુનાં મોત નોંધાયા છે. આ અગાઉ 6 મેના રોજ ભારતમાં 3,980 કોરોનાવાઇરસ સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે તે દિવસ સુધી દેશમાં સૌથી વધુ આંકડો હતો. દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જેમ કે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકે મોકવા માટે કોવિશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે, આ વેક્સિન દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવશે. આમ કોવિશિલ્ડના ડોઝિસની નિકાસ હમણાં અટકાવી દેવાઇ છે. આ ઉપરાંત સરકારને વિદેશી રાષ્ટ્રો તરફથી મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4,468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3,417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3,921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને વિવિધ દેશોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ મળી છે.

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રની સ્થિતિની વાત કરીએ તો શુક્રવારે 54,022 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 37,386 લોકો સ્વસ્થ થયા અને 898 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.96 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 42.65 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 74,413 લોકોના મોત થયા છે. હાલમાં 6.54 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગુજરાતમાં શુક્રવારે  12,064 લોકો પોઝિટિવ હોવાનો આંકડો બહાર આવ્યો તો તેની સામે 13,085 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.58 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 5.03 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,154 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.46 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોનાને કારણે ગોવામાં 15 દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે જેનું અમલીકરણ રવિવારથી કરાશે તેમ ત્યાંના સીએમ પ્રમોદ સાવંતે શુક્રવારે માહિતી આપી હતી.

national news covid19 new delhi maharashtra gujarat