જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પ્રસ્થાપિત થાય તો એ માત્ર ત્રણ પરિવારો પૂરતી ન રહેવી જોઈએ

28 March, 2024 07:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ ફોર્સ હટાવી લેવાશે, સુરક્ષા માત્ર સ્થાનિક પોલીસના હાથમાં રહેશે, વિવાદિત AFSPA પણ હટાવવાનો છે વિચાર

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરની એક ન્યુઝ-ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે ‘જમ્મુ અને કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સિસ (સ્પેશ્યલ પાવર્સ) ઍક્ટ (AFSPA) પાછો ખેંચી લેવાની વિચારણા કરશે. આ સિવાય કેન્દ્ર સરકાર આ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કેન્દ્રીય સુરક્ષા દળોને પણ પાછાં ખેંચી લેશે અને કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસ પ્રશાસનની રહેશે.’ 

AFSPA કાયદો કેન્દ્રીય ફોર્સિસને કોઈ પણ ડિસ્ટર્બ્ડ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિની પૂછપરછ અને ધરપકડ કરવાની સત્તા આપે છે. ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં ૭૦ ટકા વિસ્તારમાંથી આ કાયદો હટાવી દેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર મહિના પહેલાં ચૂંટણી યોજવાની તાકીદ સુપ્રીમ કોર્ટે કરી છે એથી ચૂંટણી પહેલાં જ અમિત શાહે આવી જાહેરાત કરી છે. તેમના કહેવા મુજબ વિધાનસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ફોર્સિસની વાપસીની પ્રક્રિયા શરૂ થઈ જશે. 

અમિત શાહે ઇન્ટરવ્યુમાં બીજું શું-શું કહ્યું એ જોઈએ...
આર્ટિકલ ૩૭૦ રદ કરવામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે અને પાકિસ્તાનપરસ્ત અલગાવવાદી તત્ત્વો હવે ખતમ થયાં છે. શાસન અને પ્રશાસનમાં જનભાગીદારી વધી છે અને ૨૦૧૯ બાદ પથ્થરમારાની ઘટના લગભગ બંધ થઈ ગઈ છે. ‘સપ્ટેમ્બર મહિના પહેલાં ચૂંટણી યોજી શકાય એમ છે. જમ્મુ અને કાશ્મીરમાં ફરી લોકતંત્રની બહાલી થાય એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે અને તેમણે આપેલી ખાતરી છે અને એ પૂરી કરવામાં આવશે. જોકે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પ્રસ્થાપિત થાય તો એ માત્ર ત્રણ પરિવારો પૂરતી ન રહે, પણ રાજ્યના તમામ લોકોને એનો ફાયદો થાય એવું તેઓ ઇચ્છે છે. ગયાં પાંચ વર્ષમાં એક પણ ફેક એન્કાઉન્ટર આ પ્રદેશમાં થયું નથી. મોદી સરકારે ૧૨ સંસ્થાઓ પર આતંકી ગતિવિધિમાં સંડોવણીના કારણે તેમના પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમની ૧૫૦ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ જપ્ત કરાઈ છે અને બાવીસ કેસ કરવામાં આવ્યા છે. ૯૦ પ્રૉપર્ટી પર ટાંચ લાવવામાં આવી છે અને ૧૩૪ બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધીનાં ૧૦ વર્ષમાં આતંકવાદની ૭૨૧૭ ઘટના બની હતી, પણ ૨૦૧૪થી ૨૦૨૩માં એ ૭૦ ટકા ઘટીને ૨૨૨૭ સુધી આવી 
ગઈ છે.

national news amit shah jammu and kashmir home ministry