26 June, 2025 08:05 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૈદરાબાદમાં ગોલકોન્ડા ફોર્ટમાં પગથિયાંઓ પર કંકુ, હળદર અને સુખડના પાઉડરની પેસ્ટ લગાડીને આગળ વધતા ભક્તો.
તેલંગણમાં અષાઢ મહિના દરમ્યાન ખાસ દેવીઓનાં મંદિરોમાં બોનાલુ ફેસ્ટિવલની ઉજવણી થાય છે. એમાં અષાઢ મહિનાના ગુરુવારે અને રવિવારે ચોક્કસ દેવીના મંદિરમાં ભોગ લગાવવાની પ્રથા પળાય છે. આ ભોગને સ્થાનિક લોકો બોનમ તરીકે ઓળખે છે. દેવીને ચડાવવામાં આવતા બોનમમાં દૂધની વાનગી બનાવાય છે. દૂધ, ચોખા અને ગોળમાંથી બનાવેલી ખીર જેવું બોનમ દેવીને ધરાવાય છે. શણગારેલા માટીના કળશમાં આ ખીર ભરીને માથે ઉપાડીને સ્ત્રીઓ મંદિરમાં જાય છે. આજે ગોલકોન્ડા ફોર્ટમાં જગદંબિકા દેવીને પહેલું બોનમ અર્પણ થશે.
ગોલકોન્ડા ફોર્ટમાં આવેલા મંદિરના પ્રત્યેક પગથિયાને હળદર, કંકુ અને સુખડના પાઉડરની પેસ્ટથી પૂજા કરતાં-કરતાં ભક્તો દેવીની મૂર્તિ સુધી પહોંચે છે અને ભોગ લગાવે છે. દેવીને ભોગમાં સાડી અને બંગડીનો ચડાવો પણ મૂકવામાં આવે છે. આ ફેસ્ટિવલ તેલંગણના ટ્વિન સિટી હૈદરાબાદ અને સિકંદરાબાદમાં ૧૯મી સદીથી મનાવવામાં આવે છે. કહેવાય છે કે એ સમયે પ્લેગ ફાટી નીકળતાં મહાકાલીની પૂજા કરવાનું કોઈ પૂજારીએ સૂચવેલું અને ત્યારથી અષાઢ મહિનામાં સ્થાનિક લોકો દેવીની પૂજા કરે છે અને સારા આરોગ્યની મનોકામના કરે છે.
ગઈ કાલે બોનાલુ પર્વની પૂર્વસંધ્યાએ ગોલકોન્ડા ફોર્ટમાં ભક્તોનો ધસારો શરૂ થઈ ગયો હતો.