રામપથ, ધર્મપથ, ભક્તિપથ અને જન્મભૂમિપથ પછી હવે અયોધ્યામાં બનશે ૨૦ કિલોમીટર લાંબો ભરતપથ

23 May, 2025 07:50 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ પથની બન્ને તરફ રામાયણકાળનાં દૃશ્યો અને આકર્ષક લાઇટિંગ હશે

ભરતકુંડ

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને રામાયણમય બનાવવા માટે અનેક આકર્ષણોનો ઉમેરો થઈ રહ્યો છે. એમાં એક નવો ઉમેરો થયો છે અયોધ્યાને ભરતકુંડ સુધી જોડતા ૨૦ કિલોમીટર લાંબા ભરતપથનો. આ પથનું નિર્માણ માત્ર ધાર્મિક મહત્ત્વ સુધી સીમિત નથી, ડિઝાઇનની દૃષ્ટિએ પણ એ અત્યાધુનિક હશે. એની બન્ને તરફનો રસ્તો ૯-૯ મીટર પહોળો હશે અને વચ્ચે અઢી મીટરનું ડિવાઇડર છે. માર્ગની બન્ને તરફ રામાયણકાલીન દૃશ્યોનું ચિત્રણ હશે જેને આકર્ષક લાઇટિંગ દ્વારા સજાવીને રામાયણની જીવંત કથાનું સ્વરૂપ આપવામાં આવશે. રાતના સમયે ભરતપથની ભવ્યતા ખીલી ઊઠે એ માટે અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ થશે. આ સમગ્ર પ્રોજેક્ટનું બજેટ ૯૦૦ કરોડ રૂપિયા છે.  

ભરતકુંડનું મહત્ત્વ શું?

અયોધ્યાથી ભરતકુંડ જે નંદીગ્રામ નામે પહેલાં જાણીતું હતું એ જગ્યાનું પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ છે. ભગવાન રામે ૧૪ વર્ષ વનવાસમાં વિતાવ્યાં ત્યારે ભરતે અહીં તપસ્યા કરી હતી. આ જ સ્થળ પર પિતા રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. ભરતકુંડમાં એક પૌરાણિક સરોવર છે.

ayodhya ramayan indian mythology history national news culture news religion religious places news