20 June, 2025 07:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
દક્ષિણનાં રાજ્યોમાંથી ભાષાવિવાદ શરૂ થયો છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે નવી દિલ્હીમાં એક પુસ્તકના લોકાર્પણ સમારોહમાં પ્રવચન કરતાં કહ્યું હતું કે ‘એ સમય દૂર નથી જ્યારે દેશમાં અંગ્રેજી બોલતા લોકો શરમ અનુભવશે. માતૃભાષાઓ ભારતની ઓળખનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં એમને વિદેશી ભાષાઓ કરતાં પ્રાથમિકતા મળવી જોઈએ.’
ભારતના ભાષાકીય વારસાને ફરીથી મેળવવા માટે દેશભરમાં નવેસરથી પ્રયાસો કરવાની અમિત શાહે હાકલ કરી હતી. અમિત શાહની ટિપ્પણી જ્યારે કેટલાંક દક્ષિણનાં કેટલાંક અને અન્ય વિપક્ષશાસિત રાજ્યોએ કેન્દ્ર સરકાર પર થ્રી-લૅન્ગ્વેજ ફૉર્મ્યુલા દ્વારા હિન્દી લાદવાનો આરોપ લગાવ્યો છે. આ નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP)નો એક ભાગ છે.
ભૂતપૂર્વ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર આશુતોષ અગ્નિહોત્રીના પુસ્તક ‘મૈં બૂંદ સ્વયં, ખુદ સાગર હૂં’ના લોકાર્પણ પ્રસંગે હિન્દી સહિત ‘ભારતીય ભાષાઓના ભવિષ્ય’ પર બોલતાં અમિત શાહે કહ્યું હતું કે ‘કોઈ પણ વિદેશી ભાષા આપણા દેશ, આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણા ધર્મને સમજવા માટે પૂરતી ન હોઈ શકે. અધૂરી વિદેશી ભાષાઓ દ્વારા આખા ભારતની કલ્પના કરી શકાતી નથી.’
અમિત શાહે બીજું શું કહ્યું?
આપણા દેશની ભાષાઓ આપણી સંસ્કૃતિનાં રત્નો છે. આપણી ભાષાઓ વિના આપણે સાચા ભારતીય ન બની શકીએ. અંગ્રેજીને સમગ્ર વિશ્વમાં વસાહતી ગુલામીના પ્રતીક તરીકે જોવામાં આવશે.
મને સંપૂર્ણ ખ્યાલ છે કે આ યુદ્ધ કેટલું મુશ્કેલ છે, પરંતુ મને વિશ્વાસ છે કે ભારતીય સમાજ એને જીતી લેશે. ફરી એક વાર આત્મસન્માન સાથે આપણે આપણા દેશને આપણી પોતાની ભાષાઓમાં ચલાવીશું અને વિશ્વનું નેતૃત્વ પણ કરીશું.
જ્યારે આપણો દેશ અતિશય અંધકારના યુગમાં ડૂબેલો હતો ત્યારે પણ સાહિત્યે આપણા ધર્મ, સ્વતંત્રતા અને સંસ્કૃતિના દીવા પ્રજ્વલિત રાખ્યા હતા. જ્યારે સરકાર બદલાઈ ત્યારે કોઈએ એનો વિરોધ કર્યો નહીં; પરંતુ જ્યારે પણ કોઈ આપણા ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે આપણો સમાજ તેમની સામે ઊભો રહે છે અને તેમને હરાવે છે. સાહિત્ય એ આપણા સમાજનો આત્મા છે.
દેશમાં વહીવટી અધિકારીઓની તાલીમમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તેઓ ભાગ્યે જ આપણી વ્યવસ્થામાં સહાનુભૂતિ લાવવા માટે તાલીમ પામેલા હોય છે. આ કદાચ એટલા માટે છે કારણ કે આ તાલીમ-મૉડલ બ્રિટિશયુગથી પ્રેરિત છે. મારું માનવું છે કે જો કોઈ શાસક કે વહીવટકર્તા સહાનુભૂતિ વિના શાસન કરે છે તો તે શાસનનો વાસ્તવિક હેતુ પ્રાપ્ત કરી શકતો નથી.
૨૦૪૭ સુધીમાં આપણે વિશ્વમાં ટોચ પર હોઈશું : અમિત શાહ
૨૦૪૭ સુધીમાં આપણે ટોચ પર હોઈશું અને આપણી ભાષાઓ આ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવશે એમ જણાવીને અમિત શાહે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાલ માટે પંચ પ્રણનો પાયો નાખ્યો છે. પાંચ પ્રતિજ્ઞાઓ ૧૩૦ કરોડ લોકોના સંકલ્પ બની ગયા છે. આ પાંચ પ્રતિજ્ઞાઓ છે : વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું, ગુલામીના દરેક નિશાનથી મુક્તિ મેળવવી, આપણા વારસા પર ગર્વ કરવો, એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહેવું અને દરેક નાગરિકમાં ફરજની ભાવના જગાડવી.