08 May, 2025 07:05 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તી
Operation Sindoor: અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યં કે હું પીએમનો આભાર માનું છું, કારણકે તેમણે દેશના લોકોની ભાવનાઓની સમજી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
ભારત તરફથી પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલા પગલાં `ઑપરેશન સિંદૂર` પર ઑલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચૅરમેન અને અજમેર શરીફ દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "આજે ભારતે પોતાની શક્તિ બતાવી છે. હું બધા સૈન્યકર્મીઓને સલામ કરું છું અને સરકારનો પણ આભાર માનું છું."
સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું, "હું વડા પ્રધાનનો આભાર માનું છું કારણ કે તેમણે દેશના લોકોની લાગણીઓ સમજી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. અમે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખીશું. સિંદૂર આપણી સંસ્કૃતિમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પરિણીત મહિલાઓ ધારણ કરે છે, પરંતુ તેમાંથી ઘણીએ પહેલગામમાં તે ગુમાવી દીધું હતું અને આજે આપણે ઑપરેશન સિંદૂર દ્વારા તેનો બદલો લીધો છે."
તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતીય સેનાની તાકાતનો સ્વીકાર કરે છે અને આજે ભારતે પોતાની શક્તિ બતાવી છે. ભારત સરકાર અને ભારતીય સેના પાસેથી લોકોની અપેક્ષાઓ પર દેશ ખરો ઉતર્યો છે. બધા આતંકવાદીઓને, તેમને ટેકો આપનારાઓને, સરકારને અને આખી દુનિયાને કહેવામાં આવ્યું છે કે આ નવું ભારત છે.
ભારતે પહલગામ હુમલાનો બદલો લીધો
તમને જણાવી દઈએ કે બરાબર 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન પાસેથી પહલગામ હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. આ હવાઈ હુમલાને `ઓપરેશન સિંદૂર` નામ આપવામાં આવ્યું છે. મોડી રાતના હુમલા પછી, ભારતના સંરક્ષણ પ્રધાને આ માહિતી શૅર કરી.
નોંધનીય છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા `ઓપરેશન સિંદૂર` સ્ટ્રાઇક પછી સરકાર અને સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ કોન્ફરન્સને સંબોધવા માટે હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં સંસદ હુમલો, મુંબઈ હુમલો, પુલવામા હુમલો અને પહલગામ હુમલાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. સૌ પ્રથમ, વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પત્રકાર પરિષદને સંબોધિત કરી. આ પછી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે `ઓપરેશન સિંદૂર`ની સંપૂર્ણ વિગતો શેર કરી. તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. નવ સ્થળોને ઓળખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઠેકાણાઓ હતા જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી. આ આતંકવાદીઓના લૉન્ચ પેડ હતા. વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન સિંદૂર માટે આ લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી. આમાં, રહેણાંક વિસ્તારો અને સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.