રાષ્ટ્રહિતના મુદ્દામાં ધર્મને વચ્ચે ન લાવોઃ ઉદ્ધવ ઠાકરે

17 August, 2019 12:10 PM IST  | 

રાષ્ટ્રહિતના મુદ્દામાં ધર્મને વચ્ચે ન લાવોઃ ઉદ્ધવ ઠાકરે

વસ્તીવિસ્ફોટના પ્રતિકાર માટે પરિવારો નાના રાખવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહને શિવસેનાનું પીઠબળ પ્રાપ્ત થયું છે. શિવસેનાએ વસ્તીનિયંત્રણ અને કુટુંબનિયોજનની અનિવાર્યતા દર્શાવતા વડા પ્રધાનના વલણનું સ્વાગત કર્યું છે. વડા પ્રધાને ૧૫ ઑગસ્ટે સ્વાતંત્ર્યદિનના પ્રાસંગિક સંબોધનમાં વસ્તીનિયંત્રણને કારણે થતી મુશ્કેલીઓ તરફ આંગળી ચીંધવા સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાનું કુટુંબ રાખવું એ રાષ્ટ્રભક્તિ દર્શાવતું વર્તન છે.

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મોદી સરકાર શિવસેનાની નીતિઓને આગળ ધપાવે છે એ બાબતથી અમે ખુશ થયા છીએ, કારણ કે એ રાષ્ટ્રહિતનો વિષય છે. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે વસ્તીનિયંત્રણ અને કુટુંબ નિયોજનના આગ્રહી હતા. ટ્રિપલ તલાક ખરડો આવ્યા પછી હવે યુનિફૉર્મ સિવિલ કોડનો માર્ગ ખુલ્લો થયો છે.’

આ પણ વાંચો: મુંબઈમાં એક ખાડા પાછળ 17,693 રૂપિયાનો ખર્ચ

શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય ધનરાજ મહાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની ટિકિટ પર દિંડોરી બેઠક પર લોકસભાની ચૂંટણી લડ્યા બાદ પાછા શિવસેનામાં જોડાયા એ ઘરવાપસીના પ્રસંગે પક્ષના પ્રવક્તા અને સંસદસભ્ય સંજય રાઉત ઉપરાંત પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકારોને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રહિતના મુદ્દામાં ધર્મને વચ્ચે લાવવો ન જોઈએ. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાના નિર્ણય બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોઈ પણ રાજ્યને કેન્દ્ર સરકારથી જુદા અધિકારો કેવી રીતે હોઈ શકે?

uddhav thackeray gujarati mid-day