વડા પ્રધાન આજે પચીસ લાખ ચૌકીદારને સંબોધશે

20 March, 2019 07:15 AM IST  | 

વડા પ્રધાન આજે પચીસ લાખ ચૌકીદારને સંબોધશે

‘મૈં ભી ચૌકીદાર’ને સંબોધશે પીએમ મોદી

હોળી પર્વ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૨૫ લાખ ચૌકીદારોને ઑડિયોના માધ્યમથી સંબોધશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રંગોના તહેવાર હોળીની ઉજવણી દેશના ચૌકીદારો સાથે કરશે એમ જણાવતાં પાર્ટીના મીડિયા હેડ અને રાજ્યસભાના મેમ્બર અનિલ બાલુનીએ કહ્યું હતું કે ‘ચૌકીદાર ચોવીસ કલાક સુરક્ષામાં તહેનાત હોય છે. સબકા સાથ સબકા વિકાસ હેઠળ છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી લાભ પહોંચાડવામાં આવ્યા છે. મેં ભી ચૌકાદાર અભિયાનમાં હજારો લોકોએ સમર્થન આપ્યું છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ માર્ચે ‘મૈં ભી ચૌકીદાર’ અભિયાનના ભાગરૂપે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ૫૦૦ ઠેકાણે સંવાદ દરમ્યાન તેમના એ અભિયાનના સમર્થકો સાથે ચર્ચા કરશે. બીજી બાજુ BSPનાં નેતા માયાવતી અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સત્તાધારી પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો શરૂ કર્યા છે.

માયાવતીએ ટ્વિટર પર લખ્યું છે કે ‘સાદું જીવન, ઉચ્ચ વિચારને બદલે રાજવી ભપકા સાથે જીવતી જે વ્યક્તિએ લોકસભાની ગઈ ચૂંટણીમાં ફક્ત વોટ માટે પોતાનો ‘ચાવાળા’ તરીકે પ્રચાર કર્યો હતો તે હવે આ ચૂંટણીમાં ઝાકઝમાળ સાથે પોતાને ચોકીદાર જાહેર કરે છે. ખરેખર દેશ બદલાઈ રહ્યો છે.’

સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વિટર પર પોસ્ટમાં કટાક્ષ કરતાં લખ્યું હતું કે ‘વિકાસ પૂછે છે છે કે ખાતરના કોથળામાંથી ચોરી રોકવા માટે કોઈ ચોકીદાર છે? વિકાસ પૂછે છે કે નાગરિકોના બૅન્ક-અકાઉન્ટ્સમાંથી છૂપી રીતે જે પૈસા કાપવામાં આવે છે એ પૈસા બચાવવાનો કોઈ માર્ગ છે? વિકાસ પૂછે છે કે મંત્રાલયમાંથી રાફેલ ફાઇટર જેટના સોદાની ફાઇલોની ચોરી માટે જવાબદાર ચોકીદારને સજા કરવામાં આવશે?’

અભિયાનમાં કરોડો લોકો જોડાયા

BJPના નેતા અને કેન્દ્રના કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ‘થોડા દિવસોમાં કરોડો લોકો જોડાતાં ‘મૈં ભી ચૌકીદાર’ જન આંદોલન બની ગયું છે. એમાં ડૉક્ટર્સ, પ્રોફેશનલ્સ, ખેડૂતો અને સફાઈ કર્મચારીઓ સહિત સમાજના દરેક વર્ગના લોકો જોડાયા છે. ભલે મોદીને ધિક્કારતા હો, તમે પણ ચોકીદાર બની જાઓ એમાં શો વાંધો છે? કૌભાંડોના કેસોમાં જે લોકો જામીન પર છૂટ્યા હોય (રાહુલ ગાંધી), જેમના પરિવાર અને સંપત્તિ મુશ્કેલીમાં મુકાયાં હોય તેમને પરેશાની છે. એ લોકો કહે છે કે ચોકીદાર અમીરો માટે હોય છે, પરંતુ એ લોકો સત્તા પર હતા ત્યારે જનતાના ૧૨ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા. હવે ચોકીદારની જરૂર કોને છે અને કોને નથી એ કહેવાની જરૂર છે?’

મોદી ફરી ચૂંટાશે તો રાષ્ટ્ર અને લોકશાહી બન્ને પર જોખમ : ગેહલોટ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ગેહલોટે જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના શાસનમાં દેશ અને લોકશાહી બન્ને જોખમમાં છે. મોદી ફરી સત્તા પર આવે તો ચૂંટણીઓ યોજાતી બંધ થાય અને દેશ ચીન અને રશિયા જેવી સ્થિતિની દિશામાં જાય એવી શક્યતા છે. મોદી દેશને સરમુખત્યારશાહીની દિશામાં આગળ વધારે છે. મોદી અફલાતૂન અભિનેતા તેમ જ માર્કેટિંગ અને ખોટાં વચનો આપવામાં નિષ્ણાત છે.’

આ પણ વાંચો : જાણો નરેન્દ્ર મોદીની એક સામાન્ય ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર

કૉંગ્રેસના કાર્યકરો તેમના નામની આગળ ‘પપ્પુ’ લખે : અનિલ વિજ

સોશ્યલ મીડિયા પર વડા પ્રધાનની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશના અનુસંધાનમાં હરિયાણાની ગ્થ્ભ્ સરકારના પ્રધાન અનિલ વિજે કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. અનિલ વિજે જણાવ્યું હતું કે ‘જે રીતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર BJPના કાર્યકરો તેમના નામની આગળ ‘ચૌકીદાર’ શબ્દ જોડે છે એ રીતે કૉંગ્રેસના કાર્યકરો તેમના નામની આગળ ‘પપ્પુ’ શબ્દ જોડે તો એની સામે BJPને કોઈ વાંધો નથી. જે રીતે અમે સોશ્યલ મીડિયા પર હૅશટૅગ ‘ચૌકીદાર’ લખીએ છીએ એ રીતે કૉંગ્રેસના કાર્યકરો તેમના નામની આગળ હૅશટૅગ ‘પપ્પુ’ લખી શકે છે.’

narendra modi national news bharatiya janata party congress rahul gandhi