27 October, 2025 11:06 AM IST | Kashi | Gujarati Mid-day Correspondent
કાશીનો ગયા વર્ષનો દીપોત્સવ.
કાશીની દેવદિવાળી વિશ્વપ્રસિદ્ધ હોય છે. આ વર્ષે દેવદિવાળીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. પાંચમી નવેમ્બરે સાંજે વારાણસીના તમામ ૮૪ ઘાટ, સરોવરના કિનારા, મઠ અને મંદિરો દીવડાથી ઝગમગી ઊઠશે. વારાણસીના અર્ધચંદ્રાકાર ૮૪ ઘાટોને ૨૫ લાખ દીવડાથી સજાવવામાં આવશે. એની સાથે જ 3D પ્રોજેક્શન મૅપિંગ અને લેસર શોની અદ્ભુત ઝલક શિવની નગરીમાં અવિસ્મરણીય અનુભવ કરાવશે.
દેવદિવાળી નિમિત્તે વારાણસીમાં લગભગ ૧૦ લાખ શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવવાની સંભાવના છે. પર્યટન વિભાગ દ્વારા ત્રણથી પાંચ નવેમ્બર દરમ્યાન કાશીના ચેત સિંહ ઘાટ અને ગંગા દ્વાર પર અત્યાધુનિક ભવ્ય લેસર શો બતાવવામાં આવશે. એમાં ગંગા, કાશી અને દેવદિવાળીની પાવનકથાનો ૨૫ મિનિટનો ટૂંકો શો દેખાડવામાં આવશે. એમાં ૧૭ મિનિટ પ્રોજેક્શન મૅપિંગ હશે અને ૮ મિનિટનો લેસર શો હશે.
પર્યટન સૂચના અધિકારી નિતીનકુમાર દ્વિવેદીએ કહ્યું હતું કે ‘દેવદિવાળી નિમિત્તે ગંગાના ઘાટોની સાફસફાઈ અને સૌંદર્યકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પહેલીથી ૪ નવેમ્બર દરમ્યાન ગંગાના વિવિધ ઘાટો પર સ્થાનિક કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે જેમાં કાશીની પરંપરા અને કળાની ઝલક જોવા મળશે.’
પ્રયાગરાજમાં જિનબિમ્બ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
ગઈ કાલે પ્રયાગરાજમાં ઝીરો રોડ પાસે આવેલા જૈન મંદિરમાં જિનબિમ્બ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વિધિ થઈ હતી. પાંચ દિવસથી ચાલી રહેલા આ કાર્યક્રમને પંચકલ્યાણક મહોત્સવ પણ કહેવામાં આવે છે. ગઈ કાલે પાંચમા અને અંતિમ દિવસે મોક્ષકલ્યાણક મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. એમાં પહેલાં જાપ, અનુષ્ઠાન અને શ્રીજીના અભિષેક સાથે શાંતિધારા મંત્રોચ્ચારણ કરવામાં આવ્યું હતું.