મોદીજીની પણ પૂછપરછ થઈ ત્યારે કોઈએ ધરણાં-પ્રદર્શન નહોતાં કર્યાં

26 June, 2022 09:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહે ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં કૉન્ગ્રેસના સત્યાગ્રહના મામલે કટાક્ષમાં આમ જણાવ્યું

અમિત શાહ

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોમાં રાજ્યના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને શુક્રવારે માન્ય રાખી હતી. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ન્યુઝ એજન્સી એએનઆઇને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં એના વિશે વિગતે વાત કરી હતી.

મેં મોદીજીને ખૂબ જ નજીકથી દુ:ખ સહન કરતા જોયા છે
આરોપો વિશે અમિત શાહે જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે અને આરોપ શા માટે ઘડવામાં આવ્યા હતા એના વિશે પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. એક રીતે તમે કહી શકો છો કે સુપ્રીમ કોર્ટે આ આરોપો રાજકીય પ્રેરિત છે, એ પણ સિદ્ધ કરી દીધું છે. ૧૮થી ૧૯ વર્ષની લડાઈ, દેશનો આટલો મોટો નેતા એક શબ્દ બોલ્યા વિના તમામ દુ:ખોને ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરીને રડતા રહ્યા હતા અને આજે જ્યારે અંતે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે ત્યારે આનંદ જ થાય. મેં મોદીજીને ખૂબ જ નજીકથી આ દુ:ખ સહન કરતા જોયા છે. આ આરોપોને સહન કરતા જોયા છે. બધું સત્ય હોવા છતાં, ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાના કારણે ‘અમે કંઈ પણ નહીં બોલીએ’ એ સ્ટૅન્ડ જાળવી રાખ્યું. ખૂબ જ મજબૂત મનનો માણસ જ આવું સ્ટૅન્ડ લઈ શકે છે. જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયા પૂરી ન થઈ ત્યાં સુધી મોદીજીએ એને પ્રભાવિત કરવા માટે કંઈ પણ કહ્યું નહોતું. ચૂપચાપ એને સહન કરતા રહ્યા હતા.’

અમે કાયદાને સહકાર આપીએ છીએ
મની લૉન્ડરિંગના કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછની વિરુદ્ધ કૉન્ગ્રેસના વિરોધ-પ્રદર્શન પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘૧૯ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે જજમેન્ટ આપ્યું છે, એનાથી મોદીજી પરના તમામ ખોટા આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. લોકશાહીમાં બંધારણનું સન્માન કેવી રીતે થઈ શકે એનું આદર્શ ઉદાહરણ મોદીજીએ રાજકારણમાં તમામ લોકો માટે આપ્યું છે. મોદીજીની પણ પૂછપરછ થઈ હતી. કોઈએ ધરણા-પ્રદર્શન નહોતાં કર્યાં. દેશભરમાંથી કાર્યકરો આવીને મોદીજીના સમર્થનમાં ઊભા નહોતા રહ્યા. અમે કાયદાને સહકાર આપીએ છીએ. મારી પણ ધરપકડ થઈ હતી. કોઈ ધરણા-પ્રદર્શન નહોતાં કર્યાં. જે લોકોએ પણ મોદીની વિરુદ્ધ આરોપો મૂક્યા હતા, તેમણે મોદીજીની અને બીજેપીની માફી માગવી જોઈએ. આરોપ એવો હતો કે કોમી રમખાણોમાં રાજ્ય સરકારનો હાથ હતો. રમખાણોમાં મુખ્ય પ્રધાનનો હાથ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. રમખાણો થયાં હતાં એ વાતથી કોણ ઇનકાર કરી રહ્યું છે. દેશમાં અનેક જગ્યાઓએ રમખાણો થયાં છે.’

પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ
કોમી રમખાણોના સમયે પોલીસ નિષ્ક્રિય રહી હોવાના આરોપ અંગે તેમણે કહ્યું હતું કે ‘બીજેપીની વિરોધી પૉલિટિકલ પાર્ટીઓ, આઇડિયોલૉજી માટે રાજકારણમાં આવેલા કેટલાક પત્રકાર અને કેટલાક એનજીઓએ મળીને એ આરોપોનો ખૂબ પ્રચાર કર્યો, તેમની ઇકો-સિસ્ટમ પણ ખૂબ મજબૂત હતી કે ધીરે-ધીરે બધા જુઠાણાંને જ સાચું માનવા લાગ્યા હતા.’ 

યુપીએ સરકારે તીસ્તા સેતલવાડના એનજીઓને ખૂબ મદદ કરી, મોદીજીની છબિને હાનિ પહોંચાડવાની કોશિશ 

ગુજરાતને બદનામ કરવા માટે કાવતરા રચવા વિશે તેમણે જણાવ્યું હતું કે ‘બધા જાણે છે કે આ તીસ્તા સેતલવાડની એનજીઓ કરી રહી છે. એ પછી યુપીએ સરકાર આવી હતી, તેમણે તીસ્તા સેતલવાડની એનજીઓને ખૂબ મદદ કરી છે. માત્ર ને માત્ર મોદીજીને ટાર્ગેટ કરીને આમ કરવામાં આવ્યું. તેમની છબિને હાનિ પહોંચાડવા માટે આમ કરવામાં આવ્યું છે. મેં જજમેન્ટને ખૂબ જ કાળજીપૂર્વક વાચ્યું છે. જજમેન્ટમાં તીસ્તા સેતલવાડના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેની એનજીઓએ પોલીસને તોફાનો વિશે પાયાવિહોણી માહિતી આપી હતી.’

national news gujarat news narendra modi amit shah rahul gandhi bharatiya janata party congress