28 July, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે હાલમાં કામ ચાલી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેએ જણાવ્યું (તસવીરઃ મિડ-ડે)
મુંબઈ (Mumbai) અને ગુજરાત (Gujarat) વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને મંગળવારે વિરાર-ભરૂચ મેમુ ટ્રેન (Virar-Bharuch MEMU derails) ભીલાડ (Bhilad) રેલવે સ્ટેશન પર આંશિક રીતે પાટા પરથી ઊતરી જતાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટર્ન રેલવે (Western Railway)એ પાછળથી જાહેરાત કરી હતી કે સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બંને દિશામાં ટ્રેન સેવાઓ સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે. આ ઘટનામાં કોઈને પણ ઈજા થયાના અહેવાલ નથી.
ગુજરાત (Gujarat)ના વલસાડ (Valsad) જિલ્લામાં આવેલા ભીલાડ રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. સવારે આશરે ૬:૨૭ વાગ્યે વિરાર-ભરૂચ મેમુ ટ્રેન (નંબર 19101) ભીલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર પ્રવેશી રહી હતી ત્યારે તેનો એક ડબ્બો આંશિક રીતે પાટા પરથી નીચે ઊતરી ગયો હતો. આ ઘટનાને કારણે વ્યસ્ત મુંબઈ-ગુજરાત રેલ કોરિડોર પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી.
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ મુજબ, ટ્રેન પ્લેટફોર્મ તરફ આવી રહી હતી ત્યારે આગળના ડ્રાઇવિંગ મોટર કોચ (DMC) ના ચાર પૈડાં પાટા પરથી ખસી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ટ્રેન અને સ્ટેશન પરના મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ટ્રેન સુરક્ષિત રીતે ઊભી રહી જતાં મોટી હોનારત ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ વેસ્ટર્ન રેલવે દ્વારા વલસાડથી અકસ્માત રાહત ટ્રેન (Accident Relief Train) અને મેડિકલ સાધનો (Accident Relief Medical Equipment) ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને એન્જિનિયરિંગ ટીમોએ તાત્કાલિક અસરગ્રસ્ત કોચને ફરીથી પાટા પર લાવવા અને ટ્રેકનું નિરીક્ષણ કરવાનું કામ શરૂ કર્યું હતું.
વેસ્ટર્ન રેલવેના (Western Railway Updates) અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિને ઈજા કે નુકસાન થયું નથી. ટૂંક સમયમાં કામગીરી સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ છે.’
વેસ્ટર્ન રેલવેએ પાછળથી જાહેરાત કરી હતી કે સવારે ૧૧:૧૧ વાગ્યા સુધીમાં ભીલાડ સ્ટેશનની કોમન લૂપ લાઇન પરથી અવરોધ દૂર કરી દેવામાં આવ્યો હતો, જેનાથી અપ અને ડાઉન બંને દિશામાં ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થઈ શક્યો હતો.
સમારકામ દરમિયાન મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી, જેના કારણે કેટલીક સબઅર્બન મેમુ સેવાઓ તેમજ લાંબા અંતરની ટ્રેનો મોડી પડી હતી.
આ ઘટનાના કારણે ભારે ટ્રાફિક ધરાવતા મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર પરની ટ્રેન સેવાઓને અસર થઈ હતી. વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express), શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Express), ગુજરાત એક્સપ્રેસ (Gujarat Express) અને વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ (Vadodara Intercity Express) સહિતની અનેક મુખ્ય ટ્રેનો મોડી પડી હતી, જેનાથી દૈનિક મુસાફરો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તૃત ટેકનિકલ તપાસ બાદ જ આ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. એન્જિનિયરિંગ ટીમો ટ્રેક અને ટ્રેનની ચકાસણી કરીને પોતાનો રિપોર્ટ સોંપશે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ વલસાડ જિલ્લાના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી પાસે ભારે વરસાદને કારણે માટી ધસી પડી હતી, જેનાથી રેલ વ્યવહારને અસર થઈ હતી. ચોમાસાની આ સિઝનમાં ટૂંકા ગાળામાં બનેલી બીજી ઘટનાને પગલે રેલવે સુરક્ષા પર સવાલો ઊઠ્યા છે, જોકે તંત્રનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.