આ ગુજરાતીઓનો દુબઈ અને કૅનેડાનો પ્લાન ખોરવાઈ ગયો

02 March, 2026 10:44 AM IST  |  Mumbai | Darshini Vashi

કેટલાક ટૂરિસ્ટોને મુંબઈ ઍરપોર્ટ પરથી જ પાછા ફરવાનો વારો આવ્યો છે તો કેટલાક ઘરે ઍરલાઇન્સના મેસેજની રાહ જોઈને બેઠા છે.

ધવલ શાહ, પૂજા સંઘવી

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ ખાડી દેશોમાં પણ વાતાવરણ તંગ થઈ જતાં મોટા ભાગની ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી છે જેની અસર ભારતીય ટૂરિસ્ટો પર પણ પડી છે. હાલમાં જે લોકો વિદેશ ફરવા જવાના હતા તેમના પ્લાનની સાથે ઉત્સાહ પર પણ પાણી ફરી વળ્યું છે. કેટલાક ટૂરિસ્ટોને મુંબઈ ઍરપોર્ટ પરથી જ પાછા ફરવાનો વારો આવ્યો છે તો કેટલાક ઘરે ઍરલાઇન્સના મેસેજની રાહ જોઈને બેઠા છે.

૧૨ કલાક મુંબઈ ઍરપોર્ટ પર અટવાયાં

અંધેરીમાં રહેતાં પૂજા સંઘવી કહે છે, ‘હું, મારો ભાઈ અને મારી મમ્મી શનિવારે દુબઈ જવા માટે મુંબઈ ઍરપોર્ટ પર આવ્યાં હતાં. અમારી ફ્લાઇટ બપોરે ૩.૩૦ વાગ્યાની હતી. ઇન્ટરનૅશનલ ફ્લાઇટ હોવાથી અમે ૩ કલાક પહેલાં જ ઍરપોર્ટ પર આવી ગયાં હતાં. ગેટ ખોલવાના જ હતા ત્યાં કહ્યું કે ફ્લાઇટ એક કલાક મોડી છે. અમે બેસી રહ્યા. પછી અનાઉન્સમેન્ટ કર્યું કે ફ્લાઇટ કૅન્સલ જ કરી દીધી છે. અમે તો શૉક્ડ જ થઈ ગયાં, કેમ કે સ્ક્રીન પર કૅન્સલેશન આવતું નહોતું. અનાઉન્સમેન્ટ પણ વર્બલ જ થયું હતું. અમને ત્યાં બેથી ત્રણ કલાક બેસાડી રાખ્યાં. ત્યાંથી અમારા બોર્ડિંગ પાસ ચેક કરીને અમને અરાઇવલ ગેટ પર લઈ ગયા હતા. અમે ત્રણે જણ વ્હીલચૅર પૅસેન્જર હતાં છતાં અમને વ્હીલચૅર પ્રોવાઇડ કરી નહોતી. અહીં સુધી કે અમને સરખો જવાબ પણ મળતો નહોતો. કોઈ રિફ્રેશમેન્ટ કે ખાવા-પીવાનું કે પાણી કશું મળ્યું નહીં. અરાઇવલ ગેટ પાસે અમને ત્રણેક કલાક ઊભા રાખ્યા. બધા લોકો બૂમાબૂમ કરતા હતા. પછી અમને બેલ્ટ પર લઈ ગયા જ્યાં લગેજ જ ન આવ્યું. લગેજ માટે બીજા બે કલાક રાહ જોઈ. મારાં મમ્મી તો સાવ થાકી ગયાં હતાં. હું અને મારો ભાઈ પણ એવાં કંટાળી ગયાં હતાં કે બોલવાના પણ હોશ નહોતા. એક બાજુ ટ્રિપ કૅન્સલ થઈ ગઈ અને વીઝાના પૈસા ગયા. હોટેલમાં પણ બુકિંગ થઈ ગયું હતું એ પણ કૅન્સલ કરાવવું પડ્યું અને ફ્લાઇટની ટિકિટના પૈસા આવે ત્યારે વાત. આખરે કંટાળીને અમે બધાં રાતના ૧૨ વાગ્યે ઘરે પહોંચ્યાં.’

કૅનેડાનો પ્લાન કૅન્સલ

બોરીવલીમાં રહેતા ધવલ શાહ કહે છે, ‘મારા પેરન્ટ્સ મારી બહેન પાસે થોડા દિવસ રહેવા કૅનેડા જવાના છે. તેમની બીજી માર્ચની ફ્લાઇટ છે. હજી સુધી અમને ઍરલાઇન્સનો કોઈ મેસેજ આવ્યો નથી. અમે એજન્ટના સંપર્કમાં પણ છીએ. તેમની પાસે પણ કોઈ અપડેટ નથી. એમ છતાં હાલની પરિસ્થિતિને જોતાં મને લાગતું નથી કે ફ્લાઇટ ઊપડશે અને જો ફ્લાઇટ ઊપડશે તો પણ અમે અમારા પેરન્ટ્સને આવી કન્ડિશનની વચ્ચે એકલા વિદેશમાં મોકલીશું નહીં, ભલે ટિકિટના પૈસા વ્યર્થ જતા; તેમના કરતાં પૈસા વધારે મહત્ત્વના નથી. હા, પેરન્ટ્સ નિરાશ થશે, કેમ કે તેમને બહેન પાસે જવાની ઇચ્છા હતી. આ સિવાય અમને બીજી ચિંતા એ છે કે તેમની ફ્લાઇટ સાઉદી અરેબિયા સુધીની છે. ત્યાં તેમને ૩ કલાકનો બ્રેક છે અને પછી ત્યાંથી તેઓ કૅનેડા માટે બીજી ફ્લાઇટ લેવાના છે. એટલે આવી સ્થિતિમાં આ દેશોમાં મારા પેરન્ટ્સ સાથે જરાય રિસ્ક લેવા જેવું નથી. બીજું એ કે હું પણ ત્રણ-ચાર દિવસ પહેલાં જ દુબઈ ફરીને આવ્યો હતો. નસીબે અમારી ટ્રિપ વહેલી પૂરી થઈ ગઈ. નહીંતર અમે પણ ત્યાં ફસાઈ ગયા હોત.’

mumbai news mumbai iran israel united states of america gujaratis of mumbai gujarati community news andheri borivali dubai