રેડ ઝોનમાં હાલમાં કોઈ છૂટછાટ નહીં : ઉદ્ધવ ઠાકરે

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai Correspondent

રેડ ઝોનમાં હાલમાં કોઈ છૂટછાટ નહીં : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજ્યની જનતાને ટીવીના માધ્યમથી સંબેધતાં કહ્યું હતું કે ‘અત્યાર સુધી જે રીતે સાથ-સહકાર આપ્યો છે એ જ રીતે સાથ-સહકાર આપો. થોડી ધીરજ રાખો, ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરતી જશે અને આપણે કોરોનાને હરાવી શકીશું. હાલના તબક્કે રેડ ઝોનમાં કોઈ છૂટછાટ આપી શકાય એમ નથી. બીજી તરફ આપણે લૉકડાઉન સાથે હવે આર્થિક મોરચે પણ લડવાનું છે. હાલમાં ૫૦,૦૦૦ ઉદ્યાગો ચાલુ થઈ ગયા છે. નવા ઉદ્યોગોને આપણે અનેક સવલતો આપવાના છીએ. જે નવી ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ નહીં ફેલાવતી હોય એને કોઈ પણ શરતો વગર શરૂ કરવાની પરવાનગી આપીશું.’

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મેં આજે વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા. આ નિયુક્તિ વોટિંગ ન કરાતાં બિનવિરોધ થઈ શકી એ માટે બધા જ રાજકીય પક્ષોનો આભાર. મને ખબર છે કે લૉકડાઉન વધવાના કારણે અનેક લોકોમાં ચિંતા પેસી ગઈ છે કે આ કેટલા દિવસ ચાલશે? પણ હાલમાં જે રીતે કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે એ જોતાં આ લૉકડાઉન લંબાવવું એ કેટલાક અંશે વાજબી છે. રાજ્યની દરેક વ્યક્તિ માટે એ જરૂરી છે. આપણે અનેક પગલાં લીધાં છે, પણ હજી સુધી કોરોનાની ચેઇન તોડવામાં સફળતા નથી મળી, પણ એનો ગુણાકાર રોકવામાં આપણે સફળ રહ્યા છીએ.’

રાજ્યમાં ખાસ કરીને ગ્રીન ઝોનમાં ૫૦,૦૦૦ ઉદ્યોગો ચાલુ થઈ ગયા છે જેમાં પાંચ લાખ જેટલા કામગારો કામ કરે છે. એ ઉપરાંત રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા જો અન્ય રાજ્યોના ઉદ્યોગો આપણા રાજ્યમાં આવવા માગતા હોય તો તેમને માટે ૪૦,૦૦૦ એકર કરતાં વધુ જમીન અમે અનામત રાખી છે. જો તેમને એ જમીન ખરીદવી ન હોય તો અમે તેમને એ ભાડે આપીશું. જો નવી ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ નહીં ફેલાવતી ગ્રીન ઇન્ડસ્ટ્રી હશે તો અમે એને કોઈ પણ શરતો વગર બિઝનેસ ચાલુ કરવા દઈશું.

હાલ ગ્રીન ઝોનમાં છૂટછાટ આપી છે. ઑરેન્જ ઝોનમાં પણ થોડી ઓછી છૂટ છે, પણ રેડ ઝોનમાં હાલ છૂટ આપી નહીં શકાય. આપણે ગ્રીન ઝોનમાં બહુ જ કાળજી લેવાની છે કે એમાં કોઈ કોરોના કેસ ન થાય. લૉકડાઉન પણ રાખવાનું છે અને હવે આર્થિક મોરચે પણ લડવાનું છે, આપણે બૅલૅન્સ જાળવવાનું છે.

આપણે ખાસ કરીને મુંબઈમાં અનેક સુવિધાઓ વધારી રહ્યા છીએ. બેડ, વૅન્ટિલેટર અને ખાસ કરીને ઑક્સિજનની ફેસિલિટી વધારવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. જો રાજ્યમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ૧૯,૯૬૭ પર પહોંચ્યો છે તો એમાંથી ૫૦૦૦ જેટલા દરદીઓ સાજા પણ થયા છે અને તેમને રજા અપાઈ છે.

પાંચ લાખ પરપ્રાંતીયોને આપણે તેમના ગામ ટ્રેન અને બસમાં પહોંચાડ્યા છે. તેમની ટિકિટના પૈસા પણ આપણે નથી લીધા. મુખ્ય પ્રધાન ફન્ડમાંથી એ પૈસા આપ્યા છે. તેમણે રસ્તેથી ચાલતા જવાની જરૂરી નથી, અમે બને એટલી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ફરી એક વાર બધાને વિનંતી છે કે ઘરની બહાર કારણ વગર ન નીકળો, માસ્ક પહેરો, હાથ ધુઓ. આપણે ધીમે-ધીમે લૉકડાઉન તબક્કાવાર હટાવીશું, પણ એ સામે તમારો સાથ-સહકાર જોઈશે.

કોરોના કાઉન્ટ

મુંબઈ

ગઈ કાલે મળેલા નવા કેસ 1185
ગઈ કાલે મરનારની સંખ્યા 23
કોરોનાના કુલ કેસ 21152
કુલ મરણાંક 757

મહારાષ્ટ્ર

ગઈ કાલે મળેલા નવા કેસ 2033
ગઈ કાલે મરનારની સંખ્યા 51
કોરોનાના કુલ કેસ 35058
કુલ મરણાંક 1249

uddhav thackeray mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra shiv sena