10 દિવસમાં બે પરિવાર નોધારા

04 May, 2021 07:50 AM IST  |  Mumbai | Mehul Jethva

મૂળ અંજારના પણ ડોમ્બિવલીમાં રહેતા કાંદા-બટાટાના વેપારી ભાઈઓ દિલીપ અને હેમંત ઠક્કર દસ દિવસમાં જ કોરોનાનો ભોગ બનતાં બે પરિવાર પર દુખના પહાડ તૂટી પડ્યા છે

ભાઈઓ હેમંત અને દિલીપ ઠક્કર

કોરોના કોને થશે અને ક્યારે થશે એનું કંઈ નક્કી નથી. ઘણી વાર હસતા-રમતા પરિવારમાં પણ દુ:ખનો પહાડ તૂટી પડતો હોય છે. ડોમ્બિવલીમાં નેહરુ મેદાન પાસે રહેતા બે સગા ભાઈઓ દિલીપ ઠક્કર અને હેમંત ઠક્કરને કોરોના થયો હતો અને દસ દિવસમાં બેઉ ભાઈઓનાં મોત થતાં પરિવાર પર દુખનાં વાદળો છવાઈ ગયાં છે. 

મૂળ કચ્છના અંજારના અને હાલમાં ડોમ્બિવલીમાં નેહરુ મેદાન પાસે રહેતા ૫૩ વર્ષના દિલીપ ઠક્કર અને ૫૦ વર્ષના હેમંત ઠક્કર ૧૨ એપ્રિલે કોરોના પૉઝિટિવ આવતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ત્યાં દિલીપભાઈ ૨૨ એપ્રિલે મૃત્યુ પામ્યા હતા અને હેમંતભાઈ કોરોનાના ઇલાજ દરમિયાન ૩૦ એપ્રિલે મૃત્યુ પામ્યા હતા. બન્ને ભાઈઓનાં દસ દિવસની અંદર મૃત્યુ થતાં પરિવાર પર દુખનાં વાદળો છવાઈ ગયાં છે. બન્ને ભાઈઓનો તેઓ જ્યાં રહેતા હતા એ વિસ્તારમાં કાંદા-બટાટાનો વેપાર હતો એટલે ઘરના બે મોભીઓ જતાં પરિવારે હવે આર્થિક પરેશાનીઓનો પણ સામનો કરવો પડશે.

દીપકભાઈની પુત્રી ભક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક મહિના પહેલાં અમે હસી-ખુશીથી રહેતા હતા. મારા પપ્પા અને કાકાને નખમાં પણ રોગ નહોતો. મારા પપ્પા ૧૨ એપ્રિલે કોરોના પૉઝિટિવ આવતાં અમે તેમને ૧૪ એપ્રિલે કોવિડ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. એ દરમિયાન ૧૬ એપ્રિલે મારા કાકાને પણ કોરોનાનાં લક્ષણાં દેખાતાં તેમને પણ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. મારા પપ્પાને ફેફસાંમાં ૮૦ ટકા ઇન્ફેક્શન થઈ ગયું હતું એટલે તેમની હાલત ગંભીર થતાં તેમનું ૨૨ એપ્રિલે મૃત્યુ થયું હતું. મારા કાકાની હાલત પણ વધારે ગંભીર થતાં તેમનું ૩૦ એપ્રિલે મૃત્યુ થયું હતું. ભગવાને ૧૦ દિવસની અંદર અમારી બધી ખુશીઓ છીનવી લીધી છે. અમારા પરિવારની સંભાળ રાખતા બે જણની અમને ખોટ પડી છે.’

mumbai mumbai news dombivli coronavirus covid19 mehul jethva