બૅન્કમાં જઈને સિનિયર સિટિઝનોને શિકાર બનાવતા બે શાતિર આરોપીઓની ધરપકડ

12 April, 2021 09:23 AM IST  |  Mumbai | Mehul Jethva

હાથચાલાકીના ૫૦ કરતાં વધારે ગુનાઓમાં સામેલ આ ઉઠાઉગીરો વૃદ્ધોને વિશ્વાસમાં લઈને પૈસા ગણી આપવાના નામે છેતરપિંડી કરીને નાસી જતા

શાતિર ઉઠાઉગીર જાહેદ જાફરી અને કબૂલ જાફરી

મુંબઈ, થાણે, નવી મુંબઈ અને વસઈ-વિરારમાં લોકો સાથે હાલચાલાકી કરીને છેતરપિંડી કરતા બે આરોપીની એપીએમસી પોલીસે ધરપકડ કરી છે. તેમના પર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ ૫૦ કરતાં વધુ ગુનાઓ કરવાનો આરોપ છે. તેમનો શિકાર મોટા ભાગે સિનિયર સિટિઝનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ફેબ્રુઆરીમાં એક સિનિયર સિટિઝન સાથે પૈસા ગણી આપવાના નામે દસ હજાર રૂપિયાની છેતર​પિંડી કરીને તેઓ નાસી ગયા હતા. તેમણે સિનિયર સિટિઝનની બાજુમાં આવીને કહ્યું કે જુઓ, તમારા પૈસા પડી ગયા છે. એમ કહીને તેમણે પાંચસો રૂપિયાની નોટ સિનિયર સિટિઝનને આપી હતી. સિનિયર સિટિઝને તે પાંચસો રૂપિયાની નોટ લઈને પોતાના બીજા પૈસા સાથે રાખી ત્યારે આરોપીઓએ તેમને કહ્યું કે લાવો, તમારા પૈસા ગણી આપું, બીજા પૈસા તો તમે પાડી નથી દીધાને? એમ કહી સિનિયર સિટિઝનને વિશ્વાસમાં લઈ તેમના દસ હજાર રૂપિયા લઈને તેઓ નાસી ગયા હતા.

પોલીસનું શું કહેવું છે?

સુમેધ કોપીકરે, એપીએમસી પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી

આરોપી કબૂલ જાફરી અને જાહેદ જાફરી પર મહારાષ્ટ્રમાં જ ૪૦ કરતાં વધુ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી જેવા વિસ્તારોમાં પણ તેઓ લોકો સાથે બોલબચ્ચન કરી પૈસા લઈને નાસી જતા હતા. તેઓ અનેક વાર બૅન્કમાં જઈ સિનિયર સિટિઝનોને પોતાનો શિકાર બનાવતા અને તેમને વિશ્વાસમાં લઈ તેમના પૈસા લઈને નાસી જતા હતા. આ ઉપરાંત તેઓ ઘણી વાર મહિલાઓના દાગીના લઈને પણ નાસી જતા હતા.

mumbai mumbai news thane vasai virar Crime News mumbai crime news mehul jethva