અમદાવાદમાં ઑથેન્ટિક ભેળ અને સેવપૂરી ખાવા ક્યાં જવું?

08 June, 2023 04:09 PM IST  |  Mumbai | Sanjay Goradia

મુંબઈની તોલે ઊભી રહી શકે એવી આ બન્ને વરાઇટી બનાવતા એ ભાઈએ જે પ્રકારે મુંબઈના ટેસ્ટને પર્ફેક્ટ્લી પકડ્યો છે એ ખરેખર કાબિલે તારીફ છે

મુંબઈના ટેસ્ટને પર્ફેક્ટ્લી પકડ્યો છે

આજની આ ફૂડ ડ્રાઇવ અમદાવાદની છે અને મારા નાટકની ટૂર અત્યારે ગુજરાતમાં ચાલુ જ છે એટલે બને કે આવતા થોડા સમય સુધી તમને ગુજરાતમાં મળતી વરાઇટીનો આસ્વાદ કરવા મળે.

સામાન્ય રીતે હું અમદાવાદમાં મુંબઈની વરાઇટી જેમ કે વડાપાંઉ, પાંઉભાજી, પાણીપૂરી, ભેળપૂરી કે સેવપૂરી ખાવાનું ટાળું છું; કારણ કે મોટા ભાગે મારે નિરાશ જ થવું પડે. ઑથેન્ટિસિટીનો ભારોભાર અભાવ. વડાપાંઉની બાબતમાં તો મેં હાથ જ ધોઈ નાખ્યા છે તો કદાચ આવતા સમયમાં પાંઉભાજી માટે પણ હું એવું સ્ટેપ લઈ શકું. ગુજરાતની પાંઉભાજીમાં લોકો કાજુ નાખે. અરે, ગળ્યા પાંઉ આપે. આવી પાંઉભાજી તો મને ગળા નીચે પણ ઊતરે નહીં પણ હશે, જેવો જેનો ગ્રાહક એવો એનો સ્વાદ. બીજું શું?

એવું નથી કે અમદાવાદ પ્રત્યે મારી ફરિયાદ છે. ના, જરા પણ નહીં. સાંજના સ્નૅક્સમાં અહીંની ઘણી વરાઇટીઓ અદ્ભુત છે. ચોળાફળી, વણેલા

ગાંઠિયા, ગોટા, જલેબી જેવી અનેક વરાઇટી એવી છે જે આપણે ત્યાં મુંબઈમાં સારી નથી મળતી. મયૂરનાં ભજિયાં તો મુંબઈમાં કલ્પી પણ ન શકાય અને અમદાવાદમાં મળતી વિવિધ વરાઇટીની સૅન્ડવિચ પણ તમે મુંબઈમાં ન વિચારી શકો એટલે સાંજ પડ્યે મારા જેવા બકાસુરને આમ અમદાવાદમાં જલસો પડી જાય પણ ભાઈ, ક્યારેક ઘર યાદ આવેને?

હમણાં એવું જ થયું. મને ભેળની બહુ ઇચ્છા થઈ. ભેળની વાત આગળ વધારતાં પહેલાં તમને કહી દઉં. ગુજરાતમાં આજકાલ એવી સિસ્ટમ થઈ ગઈ છે કે એ મુંબઈમાં હોય એવા ખૂમચા તો કરે, પાછું નામ પણ રાખે બૉમ્બે ભેળપૂરી પણ પછી એમાં ભેળ તો પોતાની સ્ટાઇલની જ બનાવે અને એમાં પડતી આઇટમોમાં પણ ઑથેન્ટિસિટીનો અભાવ હોય. સૌથી મોટી ફરિયાદ ચટણીની હોય. અહીં આપણી જેમ ખજૂર-આંબલી-ગોળની ચટણી નથી હોતી તો અહીં એ લોકો જે સેવ વાપરે છે એમાં પણ ખાસ કંઈ ભલીવાર નથી હોતી, પણ સાહેબ, આ બંદાએ હવે એનો પણ તોડ કાઢી લીધો છે અને મુંબઈના ઑથેન્ટિક ટેસ્ટને ટક્કર મારે એવો ભેળવાળો અમદાવાદમાં શોધી લીધો છે.

અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ ઑડિટોરિયમ તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર એક નળ સર્કલ આવે છે. આ નળમાંથી ચોવીસે કલાક પાણી વહ્યા કરે એટલે એનું હુલામણું નામ જ નળ સર્કલ પડી ગયું છે. આ સર્કલ પાસે ડૉમિનોઝ પીત્ઝા પાર્લર છે, જેની બહાર એક માણસ ગોટીસોડા વેચે છે. તમને ખબર જ છે કે મારી વેબ-સિરીઝનું નામ પણ ‘ગોટીસોડા’. મને કોઈએ કહ્યું કે એ ગોટીસોડા વેચતા માણસે પોતાને ત્યાં મારી સિરીઝનું બોર્ડ લગાડ્યું છે. મને થયું કે આપણે જવું તો જોઈએ.

હું તો ગયો. વાત સાચી હતી. મસ્ત મજાનું બોર્ડ લગાડ્યું હતું. થોડું ફોટોસેશન થયું અને લોકો પણ ભેગા થયા. વાતો ચાલી અને એ બધા વચ્ચે પોણો કલાક પસાર થઈ ગયો અને મને લાગી ભૂખ. ગોટીસોડાવાળાની બાજુમાં જ બૉમ્બે ભેળવાળાનો ખૂમચો. ખાવાની તલબ અને એમાં પાછી ગામની આઇટમ. હું તો પહોંચી ગયો પેલા મહાનુભાવ પાસે અને ત્યાં જઈ મેં પહેલાં ચટણી જોઈ. એ જોઈને જ હું સમજી ગયો કે ભાઈ, જલસો પડવાનો અને ખરેખર એવું જ થયું.

ડિટ્ટો ટુ ડિટ્ટો આપણી જ ભેળ. એ માણસે જલસો કરાવી દીધો એટલે પછી મેં તો એક પછી એક આઇટમ મગાવવાનું ચાલુ કર્યું. સેવપૂરી પણ ટ્રાય કરી અને પાણીપૂરી પણ ટ્રાય કરી. સાહેબ, એક નંબર. બધેબધી વરાઇટીમાં એક નંબર અને એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. મને મનમાં થઈ આવ્યું કે એ માણસની તમામ વરાઇટી અમદાવાદમાં બૉમ્બે ભેળ સેન્ટર ચલાવતા તમામેતમામ લોકોને ખવડાવવી જોઈએ જેથી તેમને સમજાય કે સાચો સ્વાદ કોને કહેવાય ને એ કેવો હોય.

અમદાવાદ ગયા હો અને જો ઑથેન્ટિક ભેળ-સેવપૂરી માટે ટળવળતા હો તો મારા વાલીડા, પહોંચી જજો નળ સર્કલ પાસે આવેલા ડૉમિનોઝ પીત્ઝા પાર્લરની બહાર ઊભા રહેતા આ ખૂમચા પર. જલસો જ જલસો અને એ પણ એકદમ ઓરિજિનલ.

mumbai food ahmedabad life and style columnists Sanjay Goradia