11 October, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન હૉસ્પિટલ (ફાઇલ તસવીર)
મુંબઈની જાણીતી લોકમાન્ય તિલક હૉસ્પિટલ (સાયન હૉસ્પિટલ)માં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક રૅસિડેન્ટ ડૉક્ટરે કથિત રીતે આપઘાત કર્યો છે. મૃતક ડૉક્ટરની ઓળખ શિવચરણ અપ્પા પાટીલ તરીકે કરવામાં આવી છે. આ ઘટનાને પગલે હૉસ્પિટલ મૅનેજમેન્ટ અને સાથી ડૉક્ટરો પણ આઘાતમાં છે.
શિવચરણ પાટીલ સાયન હૉસ્પિટલના સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષના પોસ્ટ-ગ્રેજ્યુએટ (PG) વિદ્યાર્થી હતા. તેમનો મૃતદેહ હૉસ્પિટલની હૉસ્ટેલમાં આવેલા તેમના રૂમના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ડૉક્ટરે ઍનેસ્થેસિયા (બેભાન કરવાની દવા)નો વધુ પડતો ડોઝ લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
એવા અહેવાલ છે કે શિવચરણ પાટીલનું મૃત્યુ એનેસ્થેસિયાના વધુ પડતા ડોઝને કારણે થયું છે; જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મુંબઈ પોલીસે આ મામલે ગંભીર તપાસ શરૂ કરી છે અને કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે.
સાયન હૉસ્પિટલની આ ઘટના અગાઉ, મુંબઈની પ્રખ્યાત જે. જે. હૉસ્પિટલના એક ડૉક્ટરે પણ આત્મહત્યા કરી હતી. ડૉક્ટરો દ્વારા લેવામાં આવેલા આવા પગલાંએ તબીબી સંગઠનોમાં ઊંડી ચિંતા અને ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હાલમાં મૃતક ડૉક્ટરના સહકર્મીઓ અને હૉસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.
ઘરેથી ઝઘડો કરીને ગુસ્સામાં ખેડ જવાનું કહીને નીકળેલા યુવકે રાયગડ કિલ્લાના ટકમક ટૉક પહોંચી ત્યાંના ફોટો પરિવારજનોને સેન્ડ કર્યા અને પછી ફોન કરીને આત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. થાણેના ૩૭ વર્ષના સુયોગ પાંચાળે ટકમક ટૉક પરથી ઝંપલાવી રહ્યો હોવાની જાણ કરીને ફોન સ્વીચઑફ કરી દીધો હતો. આવો આઘાતભર્યો ફોન આવ્યા બાદ ચિંતાતુર કુટુંબીજનોએ તેની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. રેસ્ક્યુ ટીમે ગઈ કાલે સવારે ૮૦૦ ફુટ ઊંડી ખીણમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
આત્મહત્યાનો ફોન આવતાં જ સુયોગનો ભાઈ સુવેલ પાંચાળ રાયગડ કિલ્લા પર પહોંચ્યો ત્યારે તેને સુયોગની બાઇક ઊભી દેખાઈ હતી. જોકે સુયોગ ક્યાંય પણ દેખાયો નહોતો જેને પગલે મહાડ તાલુકા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતાં જ મહાડ પોલીસ, અન્ય રેસ્ક્યુ ટીમ અને સ્થાનિકોની મદદથી સુયોગની શોધ શરૂ કરવામાં આવી હતી. શનિવારે મોડી સાંજે આ ઘટના બની હોવાના કારણે તેને શોધવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. એથી રવિવારે સવારે ફરીથી સર્ચ ઑપરેશન શરૂ કરાયું હતું જેમાં ડ્રોનની મદદથી ૮૦૦ ફુટ ઊંડેથી સુયોગનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ખૂબ જ તીવ્ર ઢાળ અને ગીચ ઝાડીઓને કારણે તેનો મૃતદેહ બહાર લાવવો એક પડકાર બની ગયો હતો. ગઈ કાલે બપોરે રેસ્ક્યુ ટીમે તેનો મૃતદેહ બહાર લાવવાની તજવીજ શરૂ કરી હતી. પહેલાંના સમયમાં ગુનેગારને રાયગડ કિલ્લા પર આવેલા ટકમક ટૉક પૉઇન્ટ પરથી નીચે ફેંકી દઈને સજા આપવામાં આવતી હતી.