એક સમયના ટોચના ડ્રાયફ્રૂટ્સના વેપારીની કરોડોની છેતરપિંડીમાં આખરે ધરપકડ થઈ

06 August, 2022 11:36 AM IST  |  Mumbai | Rohit Parikh

સુપ્રીમ કોર્ટે જામીનઅરજી રદ કરતાં ફાઉન્ટન વિસ્તારની ડ્રાયફ્રૂટ્સની દુકાનના માલિક ૫૦ વર્ષના રાજેશ મેવાવાળા આખરે ભાયખલા પોલીસની કસ્ટડીમાં : જોકે સહઆરોપી તેની દીકરી અને પત્નીને પકડવામાં પોલીસ નિષ્ફળ

છેતરપિંડીનો આરોપ ધરાવતો ડ્રાયફ્રૂટ્સની દુકાનનો માલિક રાજેશ મેવાવાળા, પત્ની રાખી અને દીકરી માસૂમી.

મારે ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી છે અને તેઓ મારું ૨૫ કિલો સોનું જપ્ત કરીને ગયા છે એ છોડાવવા માટે અને મારી દીકરીની ગાર્મેન્ટ્સની કંપનીને એના ઑર્ડર પૂરા કરવા માટે લાખો રૂપિયાની જરૂર છે.

આમ કહીને મુંબઈની દલાલ સ્ટ્રીટમાં આવેલી ફાઇનૅન્સ કંપની, આ કંપનીના ડિરેક્ટરો અને ઇન્વેસ્ટરો સાથે ૩૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મુંબઈના ફાઉન્ટન વિસ્તારની ડ્રાયફ્રૂટ્સની દુકાનના માલિક ૫૦ વર્ષના રાજેશ મેવાવાળાની જામીનઅરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દેતાં તેની ભાયખલા પોલીસ-સ્ટેશને ધરપકડ કરીને પોલીસ-કસ્ટડીમાં નાખી દીધો હતો. જોકે રાજેશ મેવાવાળાના કથિત કારસ્તાનમાં પહેલા દિવસથી જ સહયોગ આપનારી તેની પુત્રી માસૂમી અને તેની પત્ની રાખીને પકડવામાં ભાયખલા પોલીસ નિષ્ફળ ગઈ છે. ભાયખલા પોલીસ કહે છે કે મા-દીકરી ફરાર થઈ ગયાં છે અને પોલીસ તેમને પકડવા માટે દોડાદોડી કરી રહી છે. આ પહેલાં મે મહિનામાં રાજેશ મેવાવાળાની આઝાદ મેદાન પોલીસે ધરપકડ કરી હતી.  ત્યાર બાદ તેને ક્રૉફર્ડ માર્કેટની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની પોલીસ વધુ તપાસ કરી રહી હતી. આ પહેલાં ૨૦૧૭માં પણ રાજેશ મેવાવાળાની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી તે પછી જામીન પર છૂટી ગયો હતો.

રાજેશ મેવાવાળા, તેની પત્ની ૫૧ વર્ષની રાખી અને તેમની પુત્રી ૨૮ વર્ષની પુત્રી માસૂમી ત્રણેએ સાથે મળીને ફર્સ્ટ ઓવરસીઝ કૅપિટલ લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ અને તેમની સાથે જોડાયેલા અનેક ઇન્વેસ્ટરો સાથે ૩૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.  

રાજેશ મેવાવાળાની ૨૦૦૮ની સાલમાં એક ઍડ્વોકેટના માધ્યમથી ફર્સ્ટ ઓવરસીઝ કૅપિટલ લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ રુષભ શ્રોફ સાથે ચર્ચગેટની બાલવાસ હોટેલમાં ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ ધીરે-ધીરે નાણાધિરાણમાં પરિણમી હતી. પહેલી જ ઓળખાણમાં રાજેશ મેવાવાળાએ તેને ત્યાં પડેલી ઇન્કમ-ટૅક્સની રેઇડની અને એ રેઇડમાં ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે તેની ૨૫ કરોડ રૂપિયાની સોનાની જ્વેલરી જપ્ત કરી હોવાની વાત રુષભ શ્રોફ સાથે કરી હતી. તેણે રુષભ શ્રોફને કહ્યું હતું કે જપ્ત થયેલી જ્વેલરી છોડાવવા માટે અને ઇન્કમ-ટૅક્સના ડ્યુઝ ક્લિયર કરવા માટે તેને પૈસાની જરૂર છે. જોકે એ સમયે રુષભ શ્રોફે તેને આ કારણોસર પૈસા ધીરવાનો ઇનકાર કર્યો હતો.

ધીરે-ધીરે રાજેશ મેવાવાળા તેની પાસે પરિવારના ભરણપોષણ માટે પણ પૈસા નથી એમ કહીને રુષભ શ્રોફ પાસેથી દોઢ-બે લાખ રૂપિયાની મદદ લેવામાં સફળ ગયો હતો. ત્યાર પછી રાજેશ મેવાવાળાએ તેની દીકરી માસૂમીની માસુરાજ ગાર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પિન્ક પિકૉક કંપનીઓ માટે પૈસાની જરૂર છે એમ કહીને રુષભ શ્રોફની કંપની પાસે પૈસાની માગણી કરી હતી. આ કંપનીએ રાજેશ મેવાવાળા અને તેની પુત્રી માસૂમીની વાતોમાં આવીને તેમને બિલ ડિસ્કાઉન્ટિંગ કરી આપ્યું હતું અને ૨૦૨૧ની સાલમાં રુષભ શ્રોફની બીજી કંપનીઓ વેસ્ટર્ન સિક્યૉરિટીઝ અને વેસ્ટર્ન ઍડ્વાઇઝરી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી અઢી લાખ રૂપિયા કઢાવવામાં રાજેશ મેવાવાળા અને તેની પુત્રી માસૂમી સફળ થયાં હતાં. શરૂઆતમાં તો રાજેશ મેવાવાળા કંપનીમાં તેની ઇમ્પ્રેશન બનાવવા માટે પહેલા દિવસથી મુદ્દલ જ પાછી આપતો નહોતો; પરંતુ ફાઇનૅન્શિયલ કંપનીને, એના બીજા ડિરેક્ટરોને, કંપની સાથે સંકળાયેલા એના ઇન્વેસ્ટરો પાસેથી વ્યાજે લીધેલી રકમ પર રેગ્યુલર વ્યાજ ચૂકવતો હતો. ધીરે-ધીરે રાજેશ મેવાવાળા અને તેની પુત્રી માસૂમીએ ચાર વર્ષના સમયગાળામાં કંપની પાસેથી છ કરોડ અને ઇન્વેસ્ટરો પાસેથી ૨૬ કરોડ રૂપિયા એમ ૩૨ કરોડ રૂપિયા રૂપિયા લીધા હતા, જેમાંથી એક પણ રૂપિયો આજ સુધી પાછો વાળ્યો નથી.

ત્યાર પછી ફાઇનૅન્શિયલ કંપનીની, એના બીજા ડિરેક્ટરોની, કંપની સાથે સંકળાયેલા એના ઇન્વેસ્ટરોની તપાસ કરતાં ખબર પડી હતી કે રાજેશ મેવાવાળાએ તેમની પાસેથી જે રૂપિયા ઇન્કમ-ટૅક્સમાં ભરવા માટે લીધા હતા એમાંથી તેણે એક પણ રૂપિયો ઇન્કમ-ટૅક્સમાં ચૂકવ્યો નહોતો તેમ જ બેલાર્ડ પિયરની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેને ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા માટે ૨૦૧૯માં છ મહિનાની અને ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ સાથે પણ છેતરપિંડી કરવાના આરોપસર છ મહિનાની સજા કરી હતી. જોકે ત્યાર બાદ તે ઉપલી કોર્ટમાં જામીન પર છૂટી ગયો હતો.

એને પરિણામે રુષભ શ્રોફ અને અન્ય ઇન્વેસ્ટરોએ સાથે મળીને મે મહિનામાં આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં રાજેશ મેવાવાળા, તેની દીકરી માસૂમી અને તેની પત્ની રાખી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એને પરિણામે પોલીસે રાજેશ મેવાવાળાની ધરપકડ કરી હતી. એની સામે તેણે જામીન માટે ‌સુપ્રીમ કોર્ટ સુધી અપીલ કરી હતી. જોકે સુપ્રીમે કોર્ટે તેની જામીનઅરજીને નકારી કાઢતાં ભાયખલા પોલીસે રાજેશ મેવાવાળાની ધરપકડ કરીને તેને પોલીસ-કસ્ટડીમાં નાખી દીધો હતો.

રાજેશ મેવાવાળાનાં આ પહેલાંનાં કારસ્તાનોની માહિતી આપતાં ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવકવેરા વિભાગે ડ્રાયફ્રૂટ્સનો સ્ટોર ચલાવતા રાજેશ મેવાવાળાના બૅન્ક-લૉકરમાંથી ૨૩ કિલોથી વધુ હીરા જડેલાં સોનાનાં ઘરેણાં જપ્ત કર્યાં હતાં. એની એ સમયની કિંમત છ કરોડ રૂપિયા થતી હતી. ત્યાર બાદ મલબાર હિલના ફ્લૅટમાંથી ૨૫થી વધુ મોબાઇલ ઇન્કમ-ટૅક્સ વિભાગના અધિકારીઓને મળી આવ્યા હતા. એના પરથી રાજેશ મેવાવાળા ક્રિકેટ અને હવાલાકૌભાંડમાં સંકળાયેલો હોવાની શંકા થઈ હતી. ગોલ્ડમૅન તરીકે જાણીતો રાજેશ મેવાવાળા બૅન્ગકૉકની ફ્લાઇટમાં બેસવાનો હતો એની થોડી જ ક્ષણો પહેલાં તેની પાસેથી ૧,૪૦,૦૦૦ ડૉલર અને ભારતીય ચલણના બે લાખ રૂપિયા કસ્ટમ્સ અધિકારીઓને મળ્યા હતા. ત્યારે તેની કસ્ટમ્સ વિભાગે કન્ટ્રોલ ઑફ ફૉરેન એક્સચેન્જ ઍન્ડ પ્રિવેન્શન ઑફ સ્મગલ‌િંગ ઍક્ટ હેઠળ અટકાયત કરી હતી. એ સમયે પણ રાજેશ મેવાવાળા આ બાબતની સ્પષ્ટતા કરવામાં અસમર્થ રહ્યો હતો. એને પરિણામે તેની આ અગાઉ સોનાની જ્વેલરીની દાણચોરી અને હવાલાકૌભાંડ માટે ૨૦૦૭માં ધરપકડ કરવામાં આવી હતી.’

સુપ્રીમ કોર્ટમાં રાજેશ મેવાવાળાની અને તેની પુત્રી તેમ જ તેની પત્નીની જામીનઅરજી નામંજૂર થતાં જ અમે રાજેશ મેવાવાળાની ધરપકડ કરી હતી અને કોર્ટના આદેશ પ્રમાણે રાજેશ મેવાવાળાને પોલીસકસ્ટડી આપી હતી એમ જણાવીને ભાયખલા પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી ગજેન્દ્ર ક્ષીરસાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશ મેવાવાળાની ધરપકડ પછી અમે તેની પત્ની રાખી અને પુત્રી માસૂમીની ધરપકડ કરવા તેમના નિવાસસ્થાને ગયા હતા, પરંતુ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયાં છે. અમે તેમની ધરપકડ કરવા અમારાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે તેઓ અમારા હાથમાં આવ્યાં નથી.’

mumbai mumbai news supreme court byculla rohit parikh