કલ્યાણ-ડોમ્બિવલીમાં થાય છે સરકારી આદેશની ઐસી કી તૈસી

11 May, 2021 09:54 AM IST  |  Mumbai | Mehul Jethva

કોવિડમાં મૃત્યુ પામેલા લોકોના મફતમાં અંતિમ સંસ્કાર કરવાને બદલે હજારો રૂપિયા પડાવાય છે

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ કોવિડમાં મૃત્યુ પામનારા લોકોને મફતમાં અગ્નિદાહ આપવાનો આદેશ આપ્યો છે. એમ છતાં તેમના પરિવાર પાસેથી એ માટે સ્મશાનના કર્મચારીઓ યેનકેન પ્રકારેણ હજારો રૂપિયા પડાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ વિશે કેડીએમસીના અધિકારીને જાણ કરતાં તેમણે કહ્યું હતું કે અમે તપાસ કરીશું અને જો કોઈ દોષી જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.  

કોરોનાને કારણે મૃત્યુદર વધ્યો છે ત્યારે લોકોએ આવી પરિસ્થિતિમાં વધુ હેરાન ન થવું પડે એ માટે સ્મશાનમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના અગિનદાહ માટે કોઈ ચાર્જ ન કરવાનો આદેશ કેડીએમસી દ્વારા અપાયો છે. જોકે એનો છડેચોક ભંગ થતો હોવાનું જાણવા મળ્યું છે. ડોમ્બિવલીની ગોગ્રાસવાડીમાં રહેતા પ્રેમચંદ હેમરાજ નિસરનું ગયા અઠવાડિયે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર વખતે પડેલી તકલીફ બદલ જણાવતાં તેમના પરિવારના સભ્ય રાજેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં પણ માણસાઈ રહી નથી. બધા લૂંટવા જ બેઠા છે. હૉસ્પિટલમાંથી અમને મૃતદેહ હૅન્ડઓવર કરાયા બાદ એને સ્મશાનમાં લઈ જવા માટે ઍમ્બ્યુલન્સવાળાએ અમારી પાસેથી ૭,૦૦૦ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ સ્મશાનમાં તેમને ફ્રીમાં અગ્નિગાહ આપવાને બદલે ત્યાંના કર્મચારીએ અમારી પાસેથી ૩,૭૦૦ રૂપિયા લીધા હતા અને બીજા ૨,૦૦૦ રૂપિયા અન્ય કારણો દર્શાવીને લીધા હતા. સામે ૩,૭૦૦ રૂપિયાની પાવતી પણ આપી હતી. જો અગ્નિદાહ ફ્રી છે તો  રૂપિયા શા માટે? આ બધા પર અંકુશ મુકાવો જોઈએ.’ 

કેડીએમસીના સચિવ સંજય જાધવે ‘મિડ-ડે’ને આ વિશે કહ્યું હતું કે ‘જો કોઈ સ્મશાનભૂમિના નિયમોને ચાતરીને કામ કરતું હશે તો તેની 
સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પરિવારે જે પૈસા ચૂકવ્યા હશે એ પણ તેમને પાછા આપવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 kalyan dombivli mehul jethva