17 June, 2024 07:11 AM IST | Mumbai | Bakulesh Trivedi
સન્મય તેનાં ડૉક્ટર માતા-પિતા ગીતાંજલિ અને વિક્રમ શાહ, બહેન સાયલી અને સાહિત્યમાં ડૉક્ટરેટ મેળવનાર દાદી સરયુ શાહ સાથે.
ધ સ્ટેટ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, મહારાષ્ટ્ર દ્વારા લેવાયેલી મહારાષ્ટ્ર હેલ્થ ઍન્ડ ટેકનિકલ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHT-CET) ૨૦૨૪નું પરિણામ જાહેર થયું છે. એમાં ૩૭ જેટલા સ્ટુડન્ટ્સ ૧૦૦ પર્સેન્ટાઇલ લાવ્યા છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલૉજી (PCB) ગ્રુપમાં ખાર એજ્યુકેશન સોસાયટીની જુનિયર કૉલેજનો સન્મય વિક્રમ શાહ ૯૯.૪ના સ્કોર સાથે ઑલ ઇન્ડિયા રૅન્કમાં ત્રીજો આવ્યો છે; જ્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સ (PCM) ગ્રુપમાં મોક્ષ નિમેશ પટેલ અને વંશિકા સચિન શાહનો સમાવેશ થાય છે.
સન્મય શાહ મૂળ ઇડરનો દિગંબર જૈન છે. હાલ દાદરમાં રહેતા સન્મયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં સખત મહેનત કરી હતી. એક પણ દિવસ ભણવાનું છોડતો નહોતો. નિયમિત અને ફોકસ સાથે ભણવું બહુ જરૂરી છે. મેં રોજ ૮-૧૦ કલાક સેલ્ફ-સ્ટડી કરી છે અને એ સાથે સાત કલાકની ઊંઘ પણ લીધી છે. મારા ફાધર વિક્રમ શાહ ગાયનેકોલૉજિસ્ટ છે, જ્યારે મમ્મી ગીતાંજલિ પીડિયાટ્રિશ્યન છે. જ્યારે મોટી બહેન સાયલી હાલમાં જ MBBS થઈ છે.’
સન્મયની મમ્મી ગીતાંજલિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સન્મય ભણવામાં પહેલેથી હોશિયાર હતો. તે બહુ શાંત રહેતો. તેણે મેડિટેશન અને ડીપ બ્રીધિંગ કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રાતે શાંત રહેવું એ શીખી લીધું હતું. આ એક્ઝામમાં બે કલાક પહેલાં ક્લાસરૂમમાં જવું પડે છે. એ વખતે ઘણા સ્ટુડન્ટસ હાઇપર થઈ જાય છે, ચિંતામાં પડી જાય છે; જ્યારે સન્મય હંમેશાં શાંત રહે છે એ તેનો પ્લાસ પૉઇન્ટ છે. અત્યાર સુધી તે આ જ રીતે તેનો બેસ્ટ પર્ફોર્મન્સ આપતો રહ્યો છે. એથી અમને આશા હતી જ કે આ વખતે પણ તે બેસ્ટ પર્ફોર્મ કરશે.’
PCB ગ્રુપની એક્ઝામ ૨૨થી ૩૦ એપ્રિલ વચ્ચે લેવાઈ હતી, જ્યારે PCM ગ્રુપની એક્ઝામ બીજીથી ૧૬ મે વચ્ચે લેવાઈ હતી. કુલ ૧૫૯ સેન્ટર પર આ એક્ઝામ લેવાઈ હતી જેમાંથી ૧૪૩ સેન્ટર મહારાષ્ટ્રમાં હતાં, જ્યારે ૧૬ સેન્ટર મહારાષ્ટ્રની બહાર રાખવામાં આવ્યાં હતાં. PCB ગ્રુપમાં ૪,૧૦,૩૭૭ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે ૯૨.૫૫ ટકા એટલે કે ૩,૭૯,૮૦૦ સ્ટડન્ટ્સે એક્ઝામ આપી હતી. PCM ગ્રુપમાં ૩,૧૪,૬૭૫ સ્ટુડન્ટસે તેમનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. એમાંથી ૯૩.૯૩ ટકા સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી. આમ કુલ ૭,૨૫,૦૫૨ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ૯૩.૧૫ ટકા એટલે કે ૬,૭૫,૩૭૭ સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી.