થાણેમાં હાહાકાર: કચરાપેટીમાંથી પ્રાણીનું કપાયેલું માથું મળ્યું, પોલીસે શરુ કરી તપાસ

10 June, 2025 07:02 AM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane: થાણે શહેરમાં કચરાપેટીમાંથી એક પ્રાણીનું કપાયેલું માથું મળી આવતા હાહાકાર મચી ગયો છે; પોલીસનું માનવું છે કે, કપાયેલું માથું ભેંસનું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) શહેરમાં કચરાપેટીમાંથી એક પ્રાણીનું કપાયેલું માથું મળી આવ્યા બાદ તણાવ ફેલાયો હતો, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પોલીસને શંકા છે કે, આ માથું ભેંસનું છે.

રવિવારે રાત્રે મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી કારણ કે લોકોને કચરાપેટીમાં એક પ્રાણીનું માથું મળ્યું હતું. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કચરાપેટીમાંથી મળી આવેલ કાપેલું માથું ભેંસનું માથું હોવાની શંકા છે.

થાણે પોલીસ (Thane Police)એ જણાવ્યું કે, થાણે પોલીસ રવિવારે રાત્રે વાગલે એસ્ટેટ (Wagle Estate) વિસ્તારમાં હજુરી (Hajuri) વિસ્તારમાં પહોંચી અને લોકોમાં ફેલાયેલા ભયને દુર કર્યો હતો. તેમજ કચરાપેટીમાંથી મળી આવેલ પ્રાણીના કપાયેલા મૃતદેહના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશન (Wagle Estate police station)ના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ગવારે (Shivaji Gaware)એ પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘રવિવારે રાત્રે કેટલાક લોકોએ વિસ્તારમાં કચરાપેટીમાં પ્રાણીનું કપાયેલું માથું જોયું અને એલાર્મ વગાડ્યું. આ પરિસ્થિતિ અંગે વિસ્તારના લોકોએ ચેતવણી આપ્યા પછી, ઝડપથી ભીડ એકઠી થઈ ગઈ અને તાત્કાલિક પોલીસ કાર્યવાહીની માંગણીઓ શરૂ થઈ.’

ગરવારેએ એમ પણ કહ્યું કે, ‘ઘટનાસ્થળે જ્યાં ઘણા લોકો ભેગા થયા અને જાહેરમાં અશાંતિનો માહોલ સર્જાયો. પછી પોલીસને ફોજદારી કેસ નોંધવા અને ગુનેગારને પકડવાની માંગ કરી હતી.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યારે કેટલાક (હિન્દુ સંગઠનોના) કાર્યકરોએ આ મુદ્દો ઉઠાવ્યો, વિરોધ શરૂ કર્યો અને તપાસની માંગ પર અડગ રહ્યા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.’

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં ભારે મુશ્કેલી સર્જાયા બાદ, થાણે પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને શાંત કરવા પગલાં લેવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વધુમાં, વાગલે એસ્ટેટ પોલીસે મૃતદેહ કબજે કર્યો છે, અને તેના નમૂનાઓ વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે પ્રારંભિક ચકાસણી માટે પશુચિકિત્સા ડૉક્ટરને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ગવારેએ જણાવ્યું હતું કે, ‘પોલીસ વિશ્લેષણના રિપોર્ટની રાહ જોઈ રહી છે. અમને શંકા છે કે મૃતદેહ ભેંસનો હશે.’

આ પરિસ્થિતિ અંગે મીડિયાને સત્તાવાર રીતે સંબોધન કરતી વખતે, પોલીસે જણાવ્યું હતું કે, ‘અમે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૯ (કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો), કલમ ૩૦૨ (કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી શબ્દો ઉચ્ચારવા વગેરે), અને કલમ ૩૨૫ (પ્રાણીને મારી નાખવા અથવા અપંગ કરીને તોફાન) અને મહારાષ્ટ્ર પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.’

આ મામલે હજી સુધી કોઈની ધરપકપ કરવામાં નથી આવી અને વધુ તપાસ ચાલુ છે.

thane thane crime mumbai police mumbai mumbai news