23 July, 2025 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)માં એક ટ્રકનો ભયાનક અકસ્માત (Thane Road Accident) થયો છે. આ માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મંગળવારે મધ્યરાત્રિ પછી મહારાષ્ટ્રના થાણે શહેરમાં લોખંડના સળિયા અને પાઈપોથી ભરેલ વાહન પુલ પરના ડિવાઈડર સાથે અથડાતાં અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાતાં એક ટ્રક ડ્રાઈવર અને એક હેલ્પરનું મોત થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રક નવી મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો ત્યારે ઘોડબંદર રોડ (Ghodbunder Road) પર પાટલીપાડા પુલ (Patlipada bridge) પર આ અકસ્માત થયો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવી (Yasin Tadvi)એ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે રાત્રે ૧૨.૩૫ વાગ્યે સ્થાનિક કંટ્રોલ રૂમમાં આ ઘટનાની જાણ કરી હતી.
ટીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ વધુમાં કહ્યું કે, ‘ઘોડબંદર રોડ પર પાટલીપાડા પુલ પાર કરતી વખતે ડ્રાઇવરે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હોય તેવું લાગે છે. વાહન મધ્ય ડિવાઇડર સાથે અથડાયું અને સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાયું, જેના કારણે ટ્રકનું કેબિન સંપૂર્ણપણે ભાંગી ગયું હતું.’
અકસ્માતની માહિતી મળતા જ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયા.
‘વિશેષ હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરીને ડ્રાઇવર અને હેલ્પર બંનેને અકસ્માતનો ભોગ બનેલા ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ફસાયેલા કેબિનમાંથી બન્નેને બહાર કાઢવામાં લગભગ ૪૫ મિનિટ લાગી હતી.’, એમ તડવીએ જણાવ્યું હતું. બંને વ્યક્તિઓને તાત્કાલિક થાણેની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ ટ્રક ડ્રાઈવર વિનોદ (૪૨ વર્ષ) અને હેલ્પર રહીમ પઠાણ (૨૫ વર્ષ) તરીકે થઈ છે. તેઓ બંને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રહેવાસી છે.
અકસ્માતને કારણે લગભગ ૮ ટન વજનના લોખંડના સળિયા અને પાઈપો રસ્તા પર વિખેરાઈ ગયા હતા અને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી તેલ પણ રસ્તા પર ઢોળાઈ ગયું હતું, જેના કારણે બંને દિશામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો, એમ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. બ
ચાવ ટીમોએ હાઇડ્રા મશીનની મદદથી બાદમાં સામગ્રીને રસ્તાની બાજુમાં ખસેડી હતી. તેલના ઢોળાવને દૂર કરવા માટે હોઝ રીલ્સ અને વોટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સફાઈ કામગીરીમાં લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હતો, જે દરમિયાન ટ્રાફિકને સર્વિસ રોડ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
અકસ્માતગ્રસ્ત ટ્રકને રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યો હતો અને સવારે ૩ વાગ્યા સુધીમાં કાટમાળ સાફ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે, ડ્રાઇવર થાકને કારણે ઝોકું ખાઈ ગયો હશે અથવા તેને વ્હીલ્સ પરનો કાબુ ગુમાવ્યો હશે જેને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા છે. આ ઘટનાની તપાસ ચાલુ છે.