✕

વિરોધ-પ્રદર્શન થાણેમાં, ચક્કા જામ અમદાવાદ હાઇવે પર

29 October, 2026 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના (UBT)ના પ્રદીપ પુર્ણેકરની હત્યાના વિરોધમાં મંગળવારે મોડી રાત્રે થાણેમાં થયેલા જબરદસ્ત પ્રોટેસ્ટની અસર બુધવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર દેખાઈ, ૨૭ કિલોમીટર સુધીના રસ્તા પર ટ્રાફિક જૅમ થયો ઃ હાઇવે પર ૨૬ વર્ષીય મહિલાનું કચડાઈ જવાથી મોત

મંગળવારે મોડી રાતે થાણેના માનપાડામાં રસ્તા રોકો આંદોલન. વસઈની ખાડી પરના બ્રિજ પર સ્થિર થઈ ગયેલાં વાહનો.

શિવસેના (UBT)ના પ્રદીપ પુર્ણેકરની હત્યાના વિરોધમાં થાણેમાં મંગળવારે મોડી રાતે થયેલાં વિરોધ-પ્રદર્શનોને કારણે બુધવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આ ધમાલમાં એક ૨૬ વર્ષીય મહિલાનું કન્ટેનર-ટ્રક નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. વસઈ ખાડી પર આવેલા વર્સોવા બ્રિજ અને વિરારની સીમાઓ વચ્ચે લગભગ ૨૦થી ૨૭ કિલોમીટર સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો જેના કારણે વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. અમદાવાદથી મુંબઈ અને થાણે તરફ આવતાં વાહનો એનાથી પ્રભાવિત થયાં હતાં. મરનાર મહિલાની ઓળખ ભિવંડીના ગણેશપુરીસ્થિત ગાંધી પાડાના રહેવાસી ધનશ્રી સોનાવણે તરીકે થઈ છે. આ અકસ્માત લાંબા સમય સુધી ચાલેલા ટ્રાફિક જૅમ દરમ્યાન થયો હતો. જોકે તેમના મૃત્યુના ચોક્કસ સંજોગો હજી સ્પષ્ટ થયા નથી.

થાણેમાં મંગળવારે રાત્રે ભારે તાણભરી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય સૂત્રધારોની તાત્કાલિક ધરપકડની માગણી સાથે પુર્ણેકરના પરિવાર તેમ જ કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું. થાણે પોલીસ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કહેવા મુજબ ચાલે છે અને તેઓ પોતાના કાર્યકરોને બચાવવા માટે ખોટા આરોપીઓની ધરપકડ કરાવી રહ્યા હોવાનો દાવો કરી મોટી સંખ્યામાં મંગળવારની મોડી રાત્રે જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. આંદોલનકારીઓએ થાણેના માનપાડા પર એકત્ર થઈને વાહનો અટકાવ્યાં અને ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ હિંસક આંદોલનને કારણે સમગ્ર થાણે અને આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. દૂધ, શાકભાજી અને વર્તમાનપત્રો જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી તેમ જ રોડ પર ઍમ્બ્યુલન્સ અને સામાન્ય નાગરિકોનાં વાહનો ફસાઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ પરિસ્થિતિમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રસ્તા પર ચાલીને જવાની ફરજ પડી હતી. સ્થિતિને વણસતી અટકાવવા અને વાહનવ્યવહાર પૂર્વવત‍્ કરવા માટે પોલીસે ઘટનાસ્થળે વધારાનો પોલીસકાફલો તહેનાત કરવો પડ્યો હતો.

mumbai news mumbai thane mumbai traffic police ahmedabad vasai shiv sena uddhav thackeray murder case