12 June, 2026 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે (તસવીર સૌજન્યઃ મિડ-ડે)
મહારાષ્ટ્ર (Maharshtra)ના થાણે (Thane) જિલ્લાના બાલકુમ (Balkum) વિસ્તારમાં આવેલા રેવાલે તળાવમાંથી શુક્રવારે એક ૩૫ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે મહિલાના મોતના કારણો અને સંજોગોની તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાની ઓળખ મુંબઈ (Mumbai)ના કાંદિવલી (Kandivli) વિસ્તારની રહેવાસી સોની ગાયકવાડ તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, થાણે વેસ્ટમાં બાલકુમની યશસ્વી નગર સોસાયટી નજીક આવેલા રેવાલે તળાવ (Rewale Lake)માં મહિલાનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળી હતી. સ્થાનિક લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવ્યા બાદ ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation - TMC)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન પ્રકોષ્ઠ (Regional Disaster Management Cell - RDMC)એ માહિતી આપતા જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ કાપૂરબાવડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટીંગ વાહન અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાલકુમ ફાયર સ્ટેશનના જવાનોના સહયોગથી ફાયર ફાઈટરોએ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતાપૂર્વક તેને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આગળની કાનૂની પ્રક્રિયા માટે મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને તેનો મૃતદેહ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. કાપૂરબાવડી પોલીસ (Kapurbawdi Police Station) દ્વારા આ મામલે પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ કેસમાં કોઈ હત્યા કે ફાઉલ પ્લે (ષડયંત્ર)ની આશંકા છે કે નહીં તે અંગે અધિકારીઓએ સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને વધુ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
બીજી એક દુર્ઘટનામાં, થાણેના મુંબ્રા (Mumbra) વિસ્તારમાં આવેલા સંતોષ નગર ખાતે, મુંબ્રા રેલવે ફાસ્ટ ટ્રેક બ્રિજ નજીક ગુરુવારે એક ૨૭ વર્ષીય યુવક ખાડીમાં પડી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન પ્રકોષ્ઠ (RDMC) ના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૧ જૂનના રોજ સાંજે ૪:૧૩ વાગ્યે નોંધાઈ હતી. મૃતક યુવકની ઓળખ જલાલ ઉદ્દીન વકાર અલી (ઉંમર ૨૭ વર્ષ) તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ યુવક મુંબ્રા ફાસ્ટ ટ્રેક રેલવે બ્રિજ પરથી અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને સીધો નીચે ખાડીમાં ખાબક્યો હતો.
ઘટનાની જાણ થતાં જ મુંબ્રા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ વાહન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો અને તેને મુંબ્રા પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટના પાછળના ચોક્કસ સંજોગોની તપાસ કરી રહી છે.