સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા થઈ?

14 June, 2021 09:06 AM IST  |  Mumbai | Faizan Khan

એક વર્ષ થઈ ગયા પછી પણ નથી ઍક્ટરના અપમૃત્યુનો કેસ વણઊકલ્યો જ રહ્યો છે

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુને એક વર્ષ પૂર્ણ થવા છતાં કેસ હજી વણઊકલ્યો રહ્યો છે. તેના મૃત્યુની પ્રથમ વરસીએ તેના ચાહકો દ્વારા સોશ્યલ મીડિયા પર તેના માટે ન્યાયની માગણી કરવામાં આવી રહી છે. ગયા વર્ષે ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂત તેના બાંદરાસ્થિત નિવાસસ્થાને મૃત મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં મુંબઈ પોલીસે પોસ્ટમૉર્ટમ રિપોર્ટના આધારે ઍક્ટરે કુરતા સાથે લટકીને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઇને સોંપ્યો હતો, જેણે હત્યાના દૃષ્ટિકોણથી તપાસ કરી હતી. જોકે એક વર્ષ થવા છતાં હજી સુધી એ કોઈ નિર્ણય પર આવી નથી.

સુશાંત સિંહ રાજપૂત (એસએસઆર)ના અપમૃત્યુના કેસમાં તેના પિતાની ફરિયાદને પગલે નવો વળાંક આવતાં બિહાર પોલીસનો પ્રવેશ થયો હતો, જેણે એસએસઆરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અન્યો સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી, ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો. પાછળથી ઑગસ્ટ મહિનામાં કેસ સીબીઆઇને સોંપાયો હતો. 

સીબીઆઇએ પોતાનો રિપોર્ટ એઇમ્સને સબમિટ કર્યો, જેણે ઑક્ટોબર મહિનામાં જ હત્યાની શંકાને રદિયો આપી તેની આત્મહત્યા પાછળના કારણ વિશે મૌન સેવ્યું હતું.

નિર્માતા શેખર કપૂરે સોશ્યલ મીડિયા પર વ્યાવસાયિક દુશ્મનાવટનો આક્ષેપ કર્યા બાદ આદિત્ય  ચોપડા, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મ ઉદ્યોગના હાઈ પ્રોફાઇલ નિર્માતા અને નિર્દેશકોની પૂછપરછ કરવામાં આવી હતી. 

સીબીઆઇ ઉપરાંત મુંબઈ અને બિહાર પોલીસે સુશાંત સિંહના અકાઉન્ટમાંથી ઉપાડાયેલી કરોડો રૂપિયાની રકમને પગલે મની લૉન્ડરિંગના દૃષ્ટિકોણથી પણ તપાસ હાથ ધરી હતી. રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને અન્યોની ચૅટ સામે આવતાં ડ્રગ્સના ઍન્ગલથી પણ તપાસ કરાઈ હતી; જેમાં ફિલ્મ ઉદ્યોગની ટોચની હિરોઇનો સહિત સેલિબ્રિટીઝની પૂછપરછ કરી હતી. 

ડ્રગ્સ કેસમાં એનસીબીએ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં રિયા, શોવિક, એસએસઆરના મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડા અને નોકર દીપક સાવંતની ધરપકડ કરી હતી.  આ કેસમાં એનસીબીએ કુલ ૩૪ આરોપીઓ વિરુદ્ધ ૫૦,૦૦૦ પાનાંની ચાર્જશીટ પણ ફાઇલ કરી હતી. જોકે હજી સુધી સુશાંત સિંહની હત્યા હતી કે આત્મહત્યા એ પ્રશ્ન ઊભો જ છે. 

mumbai mumbai news sushant singh rajput bandra mumbai police supreme court central bureau of investigation Crime News mumbai crime news anti-narcotics cell faizan khan